દારૂની હેરાફેરીની નવી ‘સેફ ગેમ’નો પર્દાફાશ, શામળાજી બોર્ડર પર દારૂ ભરેલી ક્રેટા મૂકી અમદાવાદમાં મૌખિક મેસેજ અપાતો હતો

દારૂની હેરાફેરી માટે હવે મોબાઈલ પર વાતચીત કરવાની પણ જરૂર પડતી નથી! રાજસ્થાનથી શામળાજી બોર્ડર સુધી દારૂ ભરેલી કાર પહોંચાડીને તેને બિનવારસી મૂકી દેવામાં આવે છે અને ત્યાર બાદ મૌખિક મેસેજથી અમદાવાદ સુધી દારૂ પહોંચાડવાની આખી રમત ચાલે છે.દારૂની હેરાફેરીમાં હવે મોબાઈલ ફોન પર વાતચીત કરવાની પણ જરૂર નથી. શામળાજી બોર્ડર પાસે એક બ્રિજ નીચે ક્રેટા ગાડી પડી છે, તેને લઈને અમદાવાદમાં પહોંચાડી દેવાની છે. બસ, આટલો જ મેસેજ અને શરૂ થઈ જાય છે દારૂની હેરાફેરીની આખી રમત. રાજસ્થાનના દારૂના ઠેકેદારો ગાડીમાં દારૂ ભરીને બોર્ડર સુધી પહોંચાડી દે છે.

ત્યાર બાદ ગાડી બિનવારસી મૂકીને અમદાવાદના બુટલેગર્સને સિગ્નલ આપી દે છે. અમદાવાદના બુટલેગર્સ પોતાના મળતિયાઓ મારફતે ખેપિયાઓ સુધી મૌખિક મેસેજ પહોંચાડે છે. ગાડી ક્્યાં પડી છે, ક્્યાંથી લેવાની છે અને કોને પહોંચાડવાની છે તેની જાણકારી આપી દેવામાં આવે છે. આ આખી ગેમમાં મોબાઈલ કનેક્ટવિટીનો ઉપયોગ ટાળવામાં આવે છે, જેથી તપાસનો રેલો આવે તો મોટાં માથાંઓ સુધી પહોંચવું મુશ્કેલ બને, જાકે આ સેફ ગેમમાં સૌથી વધુ જાખમ ખેપિયાઓનું હોય છે. ગાડી સાથે તેઓ પકડાય તો સીધા પોલીસના સકંજામાં આવી જાય છે, જ્યારે દારૂના અસલી સપ્લાયર્સ દૂર રહીને પોતાને સુરક્ષિત રાખે છે.

આવી જ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટી નજીક સોલા પોલીસની કાર્યવાહી દરમિયાન થયો છે. પોલીસે ક્રેટા કારમાંથી ૧૮૦૦ બોટલ વિદેશી દારૂનો ૪.પર લાખનો જથ્થો ઝડપી ડીસાના ચેતન માળીની ધરપકડ કરી હતી. તપાસમાં ચેતને પોલીસને જણાવ્યું હતું કે રાણીપમાં રહેતા જીતુ રાવળે તેને શામળાજી બોર્ડર નજીકના એક બ્રિજ નીચે ક્રેટા ગાડી પડી હોવાની જાણ કરી હતી. આ ગાડી ગુલબાઈ ટેકરા ખાતે રહેતી સોનલ નામની મહિલાને પહોંચાડવાની હતી એટલે કે ગાડી કોની છે, દારૂ કોણે ભર્યો છે અને સપ્લાય કોને કરવાનો છે તેની સીધી કડી ખેપિયા સુધી પહોંચતી નથી.

ચેતન ગાડી લઈને અમદાવાદ પહોંચે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.આ જ રીતે મણિનગરના જિરાફ સર્કલ પાસે ઝોન-૬ એલસીબીએ પણ દારૂ ભરેલી ક્રેટા કારનો ફિલ્મી ઢબે પીછો કરી જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ક્રેટામાં દારૂ ભરીને કેટલાક શખ્સો મણિનગર તરફ આવી રહ્યા છે. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ગાડી ભગાવી હતી, જાકે પોલીસે પીછો કરી કારને ઘેરી લીધી હતી. કારમાંથી ઊતરીને ભાગવાનો પ્રયાસ કરનારા શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં દારૂનો જથ્થો શામળાજી પાસેથી વિવેકસિંહ ઉર્ફે બાપુ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહીમાં ૩.૭૪ લાખનો દારૂ અને કાર સહિત કુલ ૧૭.૩૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

દારૂની હેરાફેરીની આ પદ્ધતિમાં સૌથી મોટો ફાયદો સપ્લાયર્સને થતો હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે. બોર્ડર સુધી દારૂ પહોંચાડનાર અને અમદાવાદમાં ગાડી ઉપાડનાર વચ્ચે સીધો સંપર્ક ન રહે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, પરિણામે ગાડી સાથે ખેપિયો પકડાય તો તેની સામે કાર્યવાહી થાય છે, પરંતુ દારૂના જથ્થા પાછળનું મોટું નેટવર્ક શોધવું પોલીસ માટે પડકારરૂપ બને છે, જાકે સોલા પોલીસ અને ઝોન-૬ એલસીબીની કાર્યવાહી બાદ આ નેટવર્કમાં સામેલ અન્ય લોકોની ભૂમિકા તપાસનો વિષય બની છે.

મણિનગરના કેસમાં એલસીબીએ સાહિલ, ધ્રુવ ઉર્ફે ધુલિયો, વિવેકસિંહ, સુજલ, રાહુલ, યોગેશ અને પાર્થ સામે ગુનો નોંધાવ્યો છે. હવે આ ગાડીઓ પાછળના અસલી સપ્લાયર્સ અને સ્થાનિક બુટલેગર્સ વચ્ચેની કડીઓ સુધી પોલીસ પહોંચે છે કે નહીં તે જાવાનું રહેશે. એલસીબીએ ઝડપેલા બંને યુવકો બાઈક ઉપર શામળાજી પાસે દારૂ ભરેલી ગાડી લેવા માટે ગયા હતા. શામળાજી બોર્ડર નજીક બુટલેગર્સે તેમને ગાડી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ડીસાના આરોપી ચેતન માળીને રાણીપના જીતુ રાવળ નામના યુવકે શામળાજી બ્રિજ નીચે પાર્ક કરેલી ક્રેટા કાર લઈને ગુલબાઈ ટેકરા પર રહેતી એક મહિલા બુટલેગરને આપવાનો ઓર્ડર આપ્યો હતો. ચેતન ત્યાંથી બિનવારસી રહેલી કાર લઈને અમદાવાદ આવી ગયો હતો.