દાહોદના જંગલોમાં ૩૦૦ દિવસથી નર વાઘનો વસવાટ: વન વિભાગ એલર્ટ મોડમાં

જંગલમાં ઢોર ચરાવવા, ટીમ‚ના પાન કે મહુડાના ફૂલ વીણવા, અથવા લાકડા કાપવા માટે પ્રતિબંધ.

ગુજરાતના જંગલોમાં વાઘની હાજરી અંગે અગાઉ થયેલી પુષ્ટિ બાદ હવે તેના ચોક્કસ રહેણાંક વિસ્તાર અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. દાહોદ અને છોટાઉદેપુર જીલ્લાની સરહદી જંગલ પટ્ટીમાં છેલ્લા લગભગ (૩૦૦ દિવસથી વધુ સમયથી) એક પુત્ર નર વાઘની સતત અવરજવર નોંધાઈ રહી હોવાનું દાહોદ તેમજ છોટાઉદેપુરના વન વિભાગના કેમેરા ટ્રેપના આધારે સ્પષ્ટ થયું છે.

વન વિભાગના જણાવ્યા મુજબ દાહોદ-છોટાઉદેપુર સુધીના અંદાજે ૧૨૦ કિલોમીટર લાંબા જંગલ વિસ્તારમાં વાઘ મુક્તપણે સંચાર કરી રહ્યો છે. જોકે વાઘની દરેક ગતિવિધિ પર ૨૪ કલાક નજર રાખવા માટે ટ્રેપ કેમેરા અને મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.

દાહોદ જીલ્લાના સાગટાળા રેન્જમાં સુખી ડેમ આસપાસનો વિસ્તાર હાલ વાધનું મુખ્ય નિવાસ સ્થાન બનતો જોવા મળતાં દાહોદ અને છોટાઉદેપુર બંને જીલ્લાના વન વિભાગે સતર્કતા વધારી છે. વાધના સંરક્ષણ અને માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવા માટે અગાઉ દેહરાદૂન અને દિલ્હીથી નિષ્ણાતોની ટીમે દાહોદમાં વનકર્મીઓને તાલીમ આપી હતી. તાજેતરમાં છોટાઉદેપુરમાં પણ આવી જ વિશેષ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે. વાઘની અવરજવર ધરાવતા વાઘના વસવાટના આસપાસના સ્થળે ૧૮ થી ૨૦ જેટલા વધારાના કર્મીઓ નિમાયા વિસ્તારોને હાઈસેન્સિટિવ ઝોન ગણવામાં આવ્યું છે. આવા વિસ્તારોમાં જતાં માર્ગો અને મહત્વના પોઈન્ટ પર ૧૮થી ૨૦ જેટલા વધારાના વનકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત વાઘના રહેઠાણ વિસ્તારમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.વન વિભાગે ખાસ કરીને જંગલમાં ટીમ‚ના પાન, મહુડાના ફૂલ એકત્ર કરવા, લાકડા કાપવા અથવા ઢોર ચરાવવા જતાં સ્થાનિક લોકોને સાવચેતી રાખવા તથા પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ ન કરવા અપીલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર વાધને ગુજરાતમાં કાયમી વસવાટ માટે અનુકૂળ પરિસ્થિતિ ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કરી રહી છે. તેના ખોરાક, હિલચાલ અને વર્તન પર સતત નજર રાખવા માટે અદ્યતન કેમેરા ટ્રેપ લગાવવામાં આવ્યા છે. સાથે જ ભવિષ્યમાં વાઘની સંખ્યા વધારવાના હેતુથી મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્ર માંથી વાઘણ લાવવાની શક્યતાઓ અંગે પણ ઉચ્ચ સ્તરે વિચારણા ચાલી રહ. છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતે ૧૯૯૨માં ટાઈગર સ્ટેટનો દરજ્જો ગુમાવ્યો હતો. જો રાજ્યમાં વાઘની કાયમી વસતિ સ્થાપિત કરવામાં સફળતા મળે તો ગુજરાત ફરીથી ટાઈગર સ્ટેટ તરીકે ઓળખ મેળવી શકે છે. તે સ્થિતિમાં ગુજરાત એશિયાટિક સિંહ, ભારતીય દીપડો અને બેંગોલ ટાઈગર-ત્રણેય મહત્ત્વના મોટા માંસાહારી પ્રાણીઓનું નિવાસસ્થાન ધરાવતું અનોખું રાજ્ય બનશે.