દે. બારીયા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજાઈ, વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા

દેવગઢ બારીયા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકાના વિવિધ સરકારી વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી તેમજ વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન દ્વારા વિકાસલક્ષી યોજનાઓના સફળ અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારીએ વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી ચાલુ કામગીરી, પ્રગતિ અને પડકારોની માહિતી મેળવી જ‚રી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રજાલક્ષી કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય, સરકારી યોજનાઓનો લાભ યોગ્ય અને સમયસર લાભાર્થીઓ સુધી પહોંચે તેમજ લોકોને સરકારી સેવાઓ ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ બને તે માટે જ‚રી સૂચનાઓ આપી હતી.

બેઠક દરમિયાન વિકાસલક્ષી કાર્યોમાં ગુણવત્તા જળવાય, વિભાગો વચ્ચે સતત સંકલન રહે અને લોકોની સમસ્યાઓનું સમયસર નિરાકરણ લાવવામાં આવે તે બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તાલુકા સંકલન બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગની કામગીરી અંગે માહિતી રજૂ કરી હતી.