
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. ગામના ઉખરેલી રોડ પર સાહેલી હાર્ડવેર પાસે બે રખડતા આખલાઓ વચ્ચે અચાનક યુદ્ધ શરૂ થતાં મુખ્ય માર્ગ પરથી પસાર થતા અનેક વાહનોને અડફેટે લીધા હતા.
આ ઘટનામાં એક રીક્ષા આખલાઓના યુદ્ધમાં ફસાઈ જતા પલટી મારી હતી, જેમાં રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં રીક્ષા સહિત અન્ય વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આખલાઓ વચ્ચેના યુદ્ધના જીવંત દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે હાલ સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, કેવી રીતે જાહેર માર્ગ પર રખડતા પશુઓ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.
મુખ્ય માર્ગો ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ રખડતા પશુઓની સમસ્યા વિકરાળ બની રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, વારંવાર રજૂઆતો છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. પરિણામે નાગરિકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકોએ માંગ ઉઠાવી છે કે, પ્રશાસન તાત્કાલિક કડક કાર્યવાહી કરી રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરે, જેથી આવી ગંભીર ઘટનાઓ ફરી ન બને અને જનજીવન સુરક્ષિત બની રહે.