
બાલાસિનોર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વકરેલા કમળાના ઉપદ્રવને જડમૂળથી ઉખેડી નાખવા માટે જીલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તંત્રના સતત પ્રયાસોને પરિણામે રોગચાળાના ફેલાવામાં ઘટાડો તો નોંધાયો છે, પરંતુ તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાના મક્કમ નિર્ધાર સાથે મહીસાગર કલેક્ટર અર્પિત સાગર દ્વારા બાલાસિનોરના અસરગ્રસ્ત વિસ્તારોની વ્યક્તિગત મુલાકાત લઈ સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કમળાના ફેલાવા પાછળના વાસ્તવિક કારણો જાણવા અને તકેદારીના પગલાંની સમીક્ષા કરવા કલેક્ટર અર્પિત સાગરે બાલાસિનોર અર્બન વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન કલેક્ટરએ હિપેટાઇટીસ-એ ના વધુ કેસ ધરાવતા ટીંબા મહોલ્લા અને કાજીવાડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સિટી સર્વે કાર્યાલયથી પગપાળા વિઝિટ કરી હતી. વહીવટી તંત્રના વડાને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે વિશ્ર્વાસ જોવા મળ્યો હતો.
મુલાકાત દરમિયાન કલેક્ટરએ અસરગ્રસ્ત પરિવારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે દર્દીઓને મળી રહેલી સારવાર અંગે પૃચ્છા કરી ખાતરી કરી હતી કે તંત્ર દ્વારા યોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે કે કેમ તે જાણ્યુ હતું. કલેક્ટરએ પરિવારોને આશ્ર્વાસન આપતા જણાવ્યું હતું કે, જીલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે હરહંમેશ તત્પર છે અને તમામ જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.
સ્થાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલા ગંદકી અને દૂષિત પાણીના પ્રશ્ર્નોને કલેક્ટરએ અત્યંત ગંભીરતાથી લીધા હતા. તેમણે પ્રત્યક્ષ રીતે ગંદકીવાળા સ્થળોની મુલાકાત લઈ નગરપાલિકાના અધિકારીઓને સ્થળ પર જ કડક સૂચના આપી હતી કે, સફાઈ અભિયાન તેજ કરી તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવામાં આવે અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરૂં પાડવામાં કોઈપણ પ્રકારની કચાસ રાખવામાં ન આવે.
ત્યારબાદ, કલેક્ટરએ બાલાસિનોર રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રના કમળા વોર્ડની મુલાકાત લીધી હતી. તેમણે ઇન્ચાર્જ ડોક્ટરો સાથે ટેકનિકલ ચર્ચા કરી દર્દીઓની ઝડપી રિકવરી માટે જરૂરી તબીબી પગલાં લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ખાનગી હોસ્પિટલના તબીબો સાથે પણ મુલાકાત યોજી, આ જાહેર આરોગ્યની લડતમાં વહીવટી તંત્રના સહભાગી બની બાલાસિનોરને કમળામુક્ત કરવા અપીલ કરી હતી.
જનજાગૃતિ પર ભાર મૂકતા કલેક્ટરએ સ્થાનિકોને ઘરની આસપાસ સ્વચ્છતા રાખવા અને ઉકાળેલું પાણી પીવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જો નળ દ્વારા પીવાલાયક પાણી ન મળતું હોય, તો નગરપાલિકાની 24 કલાક કાર્યરત હેલ્પલાઇન પર સંપર્ક કરી વિનામૂલ્યે પાણીના ટેન્કર મંગાવી શકાય છે. ’વહીવટી તંત્ર અને જનતા સાથે મળીને આ વાયરસને નાથશે’ તેવી કલેક્ટરની અપીલને પ્રજાએ ઉષ્માભેર વધાવી લીધી હતી.
અંતમાં મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટરએ વિગત આપી હતી કે, નગરપાલિકા અને આરોગ્ય વિભાગની 40 થી વધુ ટીમો હાલ ફિલ્ડમાં કાર્યરત છે. પાણી અને સફાઈના પ્રશ્ર્નોના કાયમી નિકાલ માટે તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન બાલાસિનોર પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.