
દાહોદના રળીયાતી હોળી ફળિયાની ઘટના, વારંવાર પોલીસની રેડથી ઉશ્કેરાયેલા બુટલેગરે કર્યો હુમલો.
પોલીસ કર્મીના માથાના ભાગે ઇજા થતાં દવાખાને ખસેડાયો,બુટલેગરને પકડવા પોલીસની કવાયત.
દાહોદ તાલુકાના રળીયાતી હોળી આંબા ફળિયામાં પ્રોહિબિશન ની રેડમાં ગયેલા પોલીસ જમાદાર ઉપર ઉસકેરાયેલા બુટલેગરે ઓચિંતો કુહાડી વડે હુમલો કરતા પોલીસ જમાદારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ બુટલેગર ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા સંતોષભાઈ રમેશભાઈ નામક પોલીસ જમાદાર આજરોજ સાંજના 6:00 વાગ્યા ના સુમારે બાતમીના આધારે રળીયાતીના હોળી આંબા ફળિયામાં રહેતા એક બુટલેગરના ઘરે રેડ કરી ચેકિંગ હાથ ધરી હતી. આ સમયે રેડમાં હાજર બુટલેગર પોલીસને જોઈ ઉશ્કેરાઈ ગયો હતો અને વારંવાર મારા ઘરે રેડ કરો છો તેમ કહી તેના ઘરમાં મૂકેલી કુહાડી વડે પોલીસ જમાદાર સંતોષભાઇ રમેશભાઈના માથાના ભાગે હુમલો કરતા સંતોષભાઈ જમીન ઉપર ઢળી પડ્યા હતા. આ સમયે રેડમાં આવેલી તરત જ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે તેમજ 108 ઈમરજન્સીને ફોન કરતા 108 ઈમરજન્સી તરત આવી પહોંચી હતી અને લોહી લુહાણા અવસ્થામાં ઇજાગ્રસ્ત સંતોષભાઈ રમેશભાઈને દાહોદના ઝાયડસ હોસ્પિટલ લઈ ગયા હતા. આ દરમિયાન પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગર ભાગી ગયો હતો. બુટલેગરના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસ જમાદાર સંતોષભાઇ હાલ સારવાર હેઠળ છે. ગુનાની ગંભીરતા જોતા દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારી દવાખાને પહોંચ્યા હતા.સાથે જ પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.