
દાહોદ જીલ્લાના પૂર્વ ઇન્ચાર્જ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરકુમાર શાંતીલાલ પારેખની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લાંચ કેસમાં એસીબીના છટકામાં ઝડપાયા બાદ હવે તેમની સામે આવક કરતાં વધુ મિલકતનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીએ રૂા.65.40 લાખની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે.
પંચમહાલ એસીબી દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મયુર પારેખે 01/01/2005 થી 30/06/2023 દરમિયાન પોતાના ફરજકાળ દરમિયાન કાયદેસરની આવકની સરખામણીમાં રૂા. 65,40,163.81 જેટલી અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ મિલકત તેમની કુલ કાયદેસરની આવક કરતાં આશરે 22.58 ટકા વધુ છે. એસીબીના જણાવ્યા અનુસાર,આરોપીએ સરકારી હોદ્દાનો દુરૂપયોગ કરીને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હોવાનો આરોપ છે. અગાઉ લાંચ કેસમાં ઝડપાયા બાદ તેમની આવક-ખર્ચની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના આધારે આ અપ્રમાણસર મિલકતનો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. કરેણ દ્વારા સરકાર તરફે ફરિયાદ નોંધાવવામાં આવી છે. દાહોદ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 08/2025 હેઠળ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1) (ઇ) સાથે સુધારા અધિનિયમ 2018ની કલમ 13(1)(બી) તથા 13(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ગુનાની તપાસ દાહોદ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. ડીંડોર કરી રહ્યા છે, જ્યારે સમગ્ર તપાસ પર પંચમહાલ એકમ, ગોધરાના મદદનીશ નિયામક બી.એમ. પટેલ દેખરેખ રાખી રહ્યા છે. લાંચ કેસ બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાતા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રમાં ચકચાર મચી ગઈ છે.