
પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, દાહોદના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં પ્રોહીબિશન સહિતની અસામાજીક પ્રવૃત્તિઓને સદંતર નેસ્તનાબૂદ કરવા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીસ્ટેડ પ્રોહી બુટલેગરો તથા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમો પર કડક વોચ ગોઠવી, તેમના આશ્રયસ્થાનો પર રેઈડ કરવા સૂચના અપાઈ હતી.
આ અનુસંધાને એલ.સી.બી.ની જુદી-જુદી ટીમો પેટ્રોલિંગ અને ગુપ્ત માહિતી એકત્ર કરવાની કામગીરીમાં કાર્યરત હતી. દરમ્યાન બાતમી મળી કે મહિન્દ્રા પીકઅપ ગાડી નં.GJ-20-ડ-8103 માં ડાલાના નીચે ચોરખાનું બનાવી વિદેશી દારૂ ભરેલ છે, જે મધ્યપ્રદેશ તરફથી ખરોડ ગામ તરફ જઈ રહી છે. વ્યુહાત્મક રીતે કાર્યવાહી કરી દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાડી ઝડપી પાડવામાં આવી. તપાસમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 30 પેટીઓ, 810 છુટી બોટલો મળી કુલ 2250 બોટલો કિ.રૂા. 6.30 લાખ, પીકઅપ ગાડી કિ.રૂા. 5 લાખ તથા મોબાઈલ મળી કુલ કિ.રૂા.11.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તેમજ લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીલવાદેવા ગામે રહેતી રાધાબેન ચીમનભાઈ મકવાણા તેના રહેણાંક મકાનમાંથી ચોરી છુપી દારૂ વેચાણ કરતી હોવાનું બહાર આવ્યું. ત્યાંથી 149 બોટલો સહિત કિ.રૂા. 36,937નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો.
આમ, એક જ દિવસમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહીબિશનના બે ગણનાપાત્ર કેસો શોધી કાઢી કુલ કિ.રૂા. 11.76 લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.