જીલ્લામાં ભારે વરસાદની આગાહી અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણીને ધ્યાનમાં રાખીને જીલ્લા કલેક્ટર સુરભિ ગૌતમના માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાના તમામ સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ આંગણવાડીઓમાં તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ અને તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે.
દાહોદના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે તમામ શાળાના આચાર્યો અને મુખ્ય શિક્ષકોને સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની સલામતીને પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે તમામ શાળાઓને આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમયસર જાણ કરવાની સૂચના આપી છે. સાથે જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પણ પોતાના કાર્યક્ષેત્રની તમામ શાળાઓ સુધી આ સૂચના પહોંચાડવા જણાવાયું છે.
જીલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.