રાજ્યમાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને દાહોદ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા જીલ્લાના માછીમારો તથા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન માછીમારી પર પ્રતિબંધ અમલમાં હોવાથી કોઈપણ વ્યક્તિએ નદી, નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં માછીમારી માટે જવું નહીં. ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં અચાનક પાણીની આવક વધવાની તેમજ જીવલેણ અકસ્માત સર્જાવાની શક્યતા રહેતી હોવાથી આ સૂચનનું કડક પાલન કરવું જરી છે.
મત્સ્યોદ્યોગ વિભાગે જણાવ્યું છે કે, પ્રતિબંધ હોવા છતાં જો કોઈ વ્યક્તિ નદી-નાળા અથવા અન્ય પ્રતિબંધિત વિસ્તારોમાં માછીમારી કરતી જણાશે, તો તેની સામે મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જીલ્લાના તમામ માછીમારો તથા નાગરિકોને પોતાની અને અન્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.