દેવગઢ બારીયાના ચેનપુર, રૂવાબારી, નાની ખજૂરી અને કાકલપુરમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ચેનપુર, રૂવાબારી, નાની ખજૂરી અને કાકલપુર ગામોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા અનુભવી અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ગામના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને તેનાથી થતા આર્થિક તથા જમીનને થતા  ફાયદાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રસાણમુક્ત અને સ્વસ્થ ખેતી તરફ ખેડૂતો વળે તે હેતુથી આ તાલીમ યોજવામાં આવી હતી.

 તાલીમ દરમિયાન માત્ર સૈદ્ધાંતિક જ નહીં, પરંતુ પ્રાયોગિક માર્ગદર્શન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.જેમાં ખેડૂતોને  પ્રાકૃતિક પદ્ધતિથી જીવામૃત,બીજામૃત,ઘનજીવામૃત બનાવવાની સરળ રીતો વિશે  વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

ગામના ખેડૂતોએ આ પ્રાયોગિક તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓનો વપરાશ ઘટાડી પ્રાકૃતિક પદ્ધતિ અપનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.