
શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે આગામી ૧૫ માર્ચ, રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ કેશવ ગ્રાઉન્ડની બ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ સ્ટેજ વ્યવસ્થા, સુરક્ષા પ્રોટોકોલ, પાર્કિંગ અને બેઠક વ્યવસ્થા અંગે ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
શહેરાની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૧૫ માર્ચને રવિવારના રોજ આવી રહ્યા છે. કેશવ ગ્રાઉન્ડ ખાતે આયોજીત કાર્યક્રમ માં મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીના આગમનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તૈયારીઓની સમીક્ષા કરવા માટે પંચમહાલ જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતના ઉચ્ચઅધિકારીઓનો કાફલો કેશવ ગ્રાઉન્ડ ખાતે ઉતરી પડ્યો હતો. અધિકારીઓએ કાર્યક્રમના આયોજન, સ્ટેજની સુરક્ષા, બેઠક વ્યવસ્થા અને પ્રોટોકોલ બાબતે સઘન ચર્ચાઓ કરી સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે રેફરલ હોસ્પિટલ, ઓપરેશન સિંદૂર સર્કલ સહિત અન્ય વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા પણ તડામાર આયોજન કરવામાં આવી રહ્યું છે. કેશવ ગ્રાઉન્ડ ખાતે હજારોની મેદની ઉમટી પડવાની શક્યતાને જોતા પાર્કિંગ, પીવાના પાણી અને ટ્રાફિક નિયમન માટે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હેલીપેડથી લઈને કાર્યક્રમ સ્થળ સુધીના માર્ગો પર પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રીની આ મુલાકાતથી શહેરા સહિત સમગ્ર જીલ્લાના વિકાસને નવો વેગ મળશે તેવું ચર્ચાઈ રહ્યું છે.