
ભાવનગર સમીપ કોમ્પલેક્સમાં આગ લાગતા નવજાત બાળકો સહિત ૧૫થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આગ એટલી વધારે હતી કે ફાયરની ૫થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ બિલ્ડિંગમાં ૩-૪ હોસ્પિટલ આવેલી હોવાથી દર્દીઓના જીવ તાળવે ચોટ્યા હતા.
ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલા સમીપ કોમ્પલેક્સમાં બેઝમેન્ટમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બેઝમેન્ટમાં લાગેલી આગ એટલી વધારે હતી કે તે કોમ્પલેક્સમાં ઉપરના માળે આવેલી હોસ્પિટલ સુધી પહોંચી હતી.
સમીપ કોમ્પલેક્સમાં નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં પાંચ જેટલા બાળકો એડમીટ હતા ત્યારે આગને પગલે તેમણે ફાયર વિભાગ દ્વારા બારીમાંથી લોડર ઉંચા કરીને બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ફાયરની પાંચથી વધુ ગાડીઓ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મહામહેનતે આગ કાબુમાં આવી હતી. પ્રાથમિક અનુમાન અનુસાર શોર્ટ સકટને કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળે છે.જોકે, આગને કારણે ફાયરના જવાનોની સમયસૂચક્તાને કારણે મોટી દુર્ઘટના થતા ટળી હતી.