ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત કલેકટર સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાની આંતરિક સમિતિની બેઠક યોજાઈ

ભારતમાલા પરિયોજના અંતર્ગત નેશનલ હાઈવે-૧૪૮/એન દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ૧૪ ગામોમાંથી પસાર થઈ રહ્યો છે.

આ પરિયોજનામાં જમીન સંપાદન દરમિયાન ખેડૂતોને પડતી મુશ્કેલીઓના અસરકારક નિરાકરણ માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રચવામાં આવેલી આંતરિક સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરી, દાહોદ ખાતે કલેકટર સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

બેઠકમાં ભારતમાલા પરિયોજના અંતર્ગત જમીન સંપાદન પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓ, ખેડૂતો-સ્થાનિકોની રજૂઆતો તથા સંબંધિત પ્રશ્નોના સમયસર અને અસરકારક નિરાકરણ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સંબંધિત અધિકારીઓ દ્વારા ભારતમાલા પરિયોજનાની કામગીરી સાથે સંકળાયેલા પ્રશ્નો અંગે જ‚રી માહિતી રજૂ કરવામાં આવી હતી.

કલેકટર દ્વારા ખેડૂતો તેમજ સ્થાનિકોને પડતી મુશ્કેલીઓનું સ્થળ પર તથા વિભાગીય સંકલન દ્વારા નિરાકરણ લાવી પરિયોજનાની કામગીરીને સુગમ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં સંબંધિત તમામ વિભાગોએ પરસ્પર સંકલન જાળવી જમીન સંપાદન સંબંધિત પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા તેમજ પરિયોજનાની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો.

બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી પ્રતિક જૈન, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, નાયબ વન સંરક્ષકશ્રી મિતેશ પટેલ, ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી એ. કે. ભાટિયા, NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સ, માર્ગ અને મકાન વિભાગ, એમ.જી.વી.સી.એલ., GWSSB, WASMO સહિત વિવિધ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.