બલૈયા સહિતના ગામોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ : લોકોની રજુઆત છતાં તંત્ર નિષ્ક્રિય

સુખસર અને ફતેપુરા તાલુકાની સરહદે આવેલા બલૈયા સહિત આસપાસના ગામોમાં આજેપણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી રજુઆતો કરવા છતાં સ્મશાન, પીવાનુ પાણી અને બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય પ્રશ્ર્નોનુ નિરાકરણ નહિ આવતા ગ્રામજનોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

બલેૈયા ગામની સુકી નદીના સ્મશાનમાં કોઈ વ્યવસ્થા નથી. સફાઈ અને જાળવણીના અભાવે સ્મશાનમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. જેના કારણે બલૈયા સહિત નાની નાંદુકણ, મોટી નાંદુકણ, કંકાસિયા, બાવાની હાથોડ સહિત અંદાજે ૧૦ ગામોના લોકોને અંતિમ સંસ્કાર માટે નદીના પટમાં જ અગ્નિદાહ આપવાની ફરજ પડે છે. બે તાલુકાની સરહદે આવેલી આ નદીમાં સ્મશાનની સુવિધા ઉભી કરવાની વર્ષોની માંગ છતાં કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ આશરે ૨૧૦૦ મતદારો ધરાવતા બલૈયા ગામનુ બસ સ્ટેન્ડ પણ અવ્યવસ્થાને કારણે અકસ્માતની ભિતી સેવી રહ્યુ છે. ગામમાં ૧૫ વર્ષ અગાઉ બનાવવામાં આવેલી પાણીની ટાંકી આજદિન સુધી પાણી વિના શોભાના ગાંઠિયા સમાન બનીને ઉભી છે. આ ઉપરાંત બારીયાની હાથોડ વિસ્તારના ડોડિયાર ફળિયામાં આશરે ૭૦ ધરની વસ્તી પીવાના પાણી માટે વલખા મારી રહી છે. પાઈપલાઈન કે હેન્ડપંપની યોગ્ય સુવિધા ન હોવાથી લોકોને જુના કુવામાંથી પાણી મેળવવુ પડે છે.