અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી જ ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર બની છે. સ્કૂલ બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આ મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની બહેને આક્ષેપ કર્યા છે કે, ભાઈને માથામાં વધારે વાગ્યું છે, પણ સ્કૂલે પટ્ટી પણ સરખી બંધાવી નથી. જો તેના મિત્રએ છરી ન પકડી હોત અને મર્ડર થયું હોત તો શું કરત?
તો આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

વિદ્યાર્થીઓની મારામારી CCTVમાં કેદ CCTV કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે. સ્કૂલની 100 મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુંડાઓને પણ એક તરફ મુકી દે તેવી કરતૂત ધોરણ 10ના વિદ્યાર્થીઓએ કરી છે. આ ગેંગવોરના દૃશ્યો જોઈ કોઈ ન કહે કે આ ધો.10ના વિદ્યાર્થીઓ છે.
નાના છોકરાની બબાલ હતી તેમા મોટા ભાઈને બોલાવીને માર માર્યો: બહેન ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની બહેને જણાવ્યું કે, ખબર નથી કેમ માર્યો છે, પરંતુ સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે તમારા ભાઈને માર મારવામાં આવ્યો છે. અમે ગયા તો જાણ થઈ કે 25 જેટલા લોકોએ માર માર્યો છે. નાના છોકરાની બબાલ હતી તો તેને તેના મોટા ભાઈને બોલાવીને માર માર્યો હતો. પટ્ટા, લાકડી અને છરાથી માર માર મારવાની કોશિશ કરી છે. છરી તેના મિત્રએ પકડી લીધી હતી. જો છરી ન પકડી હોત અને મર્ડર થયું હોત તો શું કરત? જેણે મારા ભાઈને માર માર્યો તેને હાજર કરો અને કડક કાર્યવાહી કરો. ભાઈને માથામાં વધારે વાગ્યું છે. પોલીસવાળા કડક કાર્યવાહી કરે તેવી જ અમારી માગણી છે. સ્કૂલે બહાર કોઈક ડોક્ટરને બોલાવીને પટ્ટી પણ સરખી બાંધવામાં આવી નથી. જેવી ડોક્ટરે સારવાર કરવી જોઈએ તેવી સારવાર પણ કરવામાં આવી નથી.
વિદ્યાર્થીને સારવાર આપી ઘરે મોકલી આપ્યાનો સ્કૂલનો દાવો ખોટો? નેશનલ સ્કૂલના ટ્રસ્ટીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, વિદ્યાર્થીને માત્ર સામાન્ય ઇજાઓ જ પહોંચી છે અને તેને સારવાર આપીને અમે ઘરે મોકલી દીધો છે. પરંતુ ઇજાગ્રસ્તના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, વિદ્યાર્થીને વધારે મારવામાં આવ્યો છે અને તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમજ તેને બરાબર સારવાર પણ આપવામાં આવી નથી. માત્ર પટ્ટી લગાવીને તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. જોકે, વિદ્યાર્થી જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે માથાના ભાગે વધારે ઇજાઓ થઈ હોવાનું પણ જોવા મળ્યું હતું. તેમજ સારવારના નામે માત્ર વિદ્યાર્થીને એક પટ્ટી જ લગાવવામાં આવી હોવાનું પણ વીડિયોમાં જોઈ શકાય છે.
એ ડિવિઝનના ACP જયેશ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, નેશનલ સ્કૂલ પાસે વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડ્યા હોવાનું પોલીસને માહિતી મળી હતી. જેથી તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થળ પર જઈને તપાસ કરતા ખબર પડી કે ગેટની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. જે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે તેને લઈને બોલાચાલી થઈ હતી. મસ્તી મસ્તીમાં સામાન્ય બોલાચાલી થઈ હતી.