
અમદાવાદની ૧૮ પ્રખ્યાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇ-મેઇલ મળ્યો છે. આ ઇ-મેઇલમાં પહેલી વખત ખાલિસ્તાન અને લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી સ્કૂલોને ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા, પણ ક્યારેય ખાલિસ્તાન કે બિશ્ર્નોઇ ગેંગનો ઉલ્લેખ થયો ન હતો.
અમદાવાદમાં હજી તો થોડા સમય પહેલાં જ ઇસ્લામિક આતંકવાદીઓ પકડાયા હતા અને આ આતંકવાદીઓ મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા, પણ તેઓ આવો કોઈ હુમલો કરે તે પહેલાં જ તેમની ધરપકડ થઈ હતી.
અહીં યાદ રાખવામાં આવે કે જે પણ ધમકી મળી તે અમદાવાદની બધી પ્રીમિયમ સ્કૂલોને મળી છે. કોઈ સામાન્ય કે સરકારી સ્કૂલને ધમકી મળી નથી. તેની સાથે નોંધવાલાયક એ છે કે ગૃહપ્રધાન અમિત શાહના લોક્સભા મતવિસ્તારની જ બધી સ્કૂલોને ધમકી મળી છે. આ પ્રકારે શું તેઓ સીધો ગૃહપ્રધાનને કોઈ સંદેશ આપવા માંગે છે. જો આમ જ હોય તો વાત ખરેખર ઘણી ચિંતાજનક કહેવાય.
અમદાવાદમાં થલતેજમાં આવેલી ઢેબર સ્કૂલ, ગુરુકુળ રોડ પર આવેલી મહારાજા અગ્રસેન સ્કૂલ, મકરબામાં આવેલી ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, વાપુરમાં આવેલી નિર્માણ સ્કૂલ, વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલ, અડાલજમાં આવેલી ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, કલોલની આવિષ્કાર સ્કૂલ, ખોરજની જેમ્સ એન્ડ જેમિસન સ્કૂલ, બોડકદેવની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ, થલતેજની ઉદગમ સ્કૂલ, મહાત્મા ગાંધી સ્કૂલ મીઠાખળી, જે.જી ઇન્ટરનેશનલ સ્કૂલ સોલા, સત્વ વિકાસ સ્કૂલ સિંધુભવન, પ્રકાશ સ્કૂલ બોડકદેવ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ આશ્રમ રોડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ઉપરાંત ડીપીએસ સ્કૂલ, તુલીપ સ્કૂલ, જીઆઈઆઈએસ સ્કૂલને પણ ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો હતો.
આ સ્કૂલોના સંચાલકોએ ધમકીભર્યા ઇ-મેઇલની તરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ અને એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ તથા બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાબદા થઈ ગયા હતા. બધી જ પોલીસ ટુકડી દસેય સ્કૂલમાં ધસી ગઈ હતી અને તરત જ તપાસ આદરી હતી. તેની સાથે સ્કૂલ વહીવટીતંત્રએ તાત્કાલિક સ્કૂલમાં રજા જાહેર કરી વિદ્યાર્થીઓને છોડી મૂક્યા હતા અને તેના પગલે માબાપ પણ તેમના સંતાનોને લેવા દોડ્યા હતા.
દેશમાં ખાલિસ્તાની આતંકવાદ ફરીથી બેઠો થવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. તે સમયે આ પ્રકારની ધમકી મળવી પણ ચિંતાજનક બાબત છે. આના કારણે પોલીસ પણ સાબદી થઈ ગઈ હતી અને તેણે બધી જ સ્કૂલોના ખૂણેખૂણા તપાસ્યા હતા. આ પ્રકરણની સંવેદનશીલતાને યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ટુકડી ઉપરાંત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. આ પહેલા પણ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ચૂકી છે. તે સમયે પાકિસ્તાન કનેકશન ખૂલ્યું હતું.