
ગુજરાતના વલસાડ જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લજવતી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. સગા પિતાએ પોતાની ૧૫ વર્ષીય સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ મામલે વિશેષ પોસ્કો કોર્ટે આરોપી પિતાને ૨૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને પીડિતા સગીરાને ૫ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે.
પીડિતા ૧૫ વર્ષીય સગીરા હોસ્ટેલમાં રહીને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી. વેકેશન દરમિયાન તે પોતાના ઘરે આવતી હતી. આવી જ એક તકનો લાભ લઈને તેના સગા પિતાએ ૧૪ જાન્યુઆરી ૨૦૨૪થી ૧૧ મે ૨૦૨૪ સુધીના સમયગાળામાં રાત્રિના સમયે વારંવાર તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યાચારના પરિણામે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.આ ઘટના જ્યારે પ્રકાશમાં આવી ત્યારે પીડિતાની માતાએ પોતાના પતિ વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી હતી. મેડિકલ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે કેસને મજબૂત બનાવવામાં આવ્યો હતો.વિશેષ પોસ્કો કોર્ટે આ મામલે સુનાવણી કર્યા બાદ આરોપીને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે પિતાને પોસ્કો એક્ટ અને આઇપીસીની સંબંધિત કલમો હેઠળ ૨૫ વર્ષની સખત કેદની સજા સાથે દંડની જોગવાઈ કરી છે.