એક્તરફી પ્રેમમાં પાગલ પ્રેમી યુવકના ત્રાસથી કંટાળીને સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો

શહેરના દાણીલીમડામાં સગીરાના એક્તરફી પ્રેમમાં પાગલ પ્રેમી યુવકના ત્રાસથી કંટાળીને સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ જોઈને આવેશમાં આવી ગયેલા પ્રેમી યુવકે સગીરાના ઘરના સભ્યોની સામે પ્રેમિકાને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા જ હિન્દી ફિલ્મોના ડાયલોગ બોલીને “તું મારી નહીં તો કોઈની નહીં” કહીને યુવકે પોતાના હાથ પર બ્લેડના ઘા મારી દીધા હતા. આ મામલે ગભરાઈ ગયેલા પાડોશીઓ ઘાયલ યુવક અને સગીરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. આ મામલે પોલીસે પાગલ પ્રેમીની દુષ્પ્રેરણાના ગુના હેઠળ ધરપકડ કરી છે.

બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, દાણીલીમડામાં ૭૨ વર્ષીય વૃદ્ધા તેના પરિવાર સાથે રહે છે. છેલ્લા ત્રણ દિવસથી તેમને જાણ થઈ કે તેમની ૧૭ વર્ષીય પૌત્રીને બાજુની સોસાયટીમાં રહેતા યુવક સાથે મિત્રતા છે અને સગીરા અને યુવક છેલ્લા છ મહિનાથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત પણ કરે છે. આ મામલે જ્યારે સગીરાના પરિવારે દીકરીને ઠપકો આપ્યો ત્યારબાદથી સગીરાએ યુવક સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને એક્તરફી પ્રેમમાં પાગલ યુવકને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

જોકે યુવક છેલ્લા ત્રણ દિવસથી સગીરાના ઘર પાસે આંટાફેરા માર્યા કરતો હતો. આ બાબતને લઈને સગીરાના ઘરના સભ્યોએ યુવકના પરિવારને પણ આ મામલે જાણ કરી હતી તેમ છતાં પાગલ પ્રેમી કોઈ વાત માનવા તૈયાર નહોતો અને સગીરાના ઘરની આસપાસ આવીને હેરાન કર્યા કરતો હતો. આખરે સગીરાએ કંટાળીને પોતાના જ ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને આપઘાતનો પ્રયાસ કરવા જતી હતી તે સમયે ઘરના વૃદ્ધ વડીલ જોઈ જતા તેમણે ચીસ પાડતા ઘરના અન્ય સભ્યો અને પાડોશીઓ દોડી આવ્યા અને સગીરાને સહીસલામત નીચે ઉતારી દીધી હતી.

આ દરમિયાન પાગલ પ્રેમી પણ સગીરાના ઘરે આવી ચડ્યો અને સગીરાના આપઘાતના પ્રયાસની વાત સાંભળતાની સાથે જ “તું મારી નહીં તો તને કોઈની નહીં થવા દઉં” જેવા ફિલ્મી ડાયલોગ બોલીને પ્રેમી યુવકે પણ પોતાની જાતને નુક્સાન કરવાના હેતુથી પોતાના હાથ પર ઉપરાછાપરી બ્લેડના ઘા મારી દેતા યુવક પણ લોહીલુહાણ થયો હતો. આ જોઈને સગીરાના માતા-પિતા અને અન્ય પાડોશીઓ ગભરાઈ ગયા અને યુવકને ૧૦૮ની મદદ વડે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યારબાદ સગીરાના પરિવારે યુવક વિરુદ્ધ આ અંગે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની સારવાર પૂર્ણ થઈ ગયા બાદ દુષ્પ્રેરણાના ગુના હેઠળ ધરપકડ કરી છે.

બીજી તરફ આજે રામોલમાં ૮ વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે અને સ્કૂલમાં અભ્યાસ કરે છે. જેમાં ૧૦ દિવસ પહેલા કિશોરી ઘરે જવા માટે ગ્રાઉન્ડ લોરથી લિટમાં ઘરે જતી હતી. તે સમયે તેના વિસ્તારમાં રહેતો વિકટર શેલત લિટમાં આવ્યો હતો. તેણે કિશોરીની લિટમાં છેડતી કરી હતી. જેથી ગભરાઈને કિશોરી ઘરે જતી રહી હતી. બાદમાં ગુમસુમ રહેતા માતા-પિતાએ પૂછતા સમગ્ર હકીક્ત જણાવી હતી. આ અંગે કિશોરીના માતા-પિતાએ વિકટર સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.