
અમદાવાદના નરોડા વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી એએમસીની ટીમ સાથે શાકભાજીના લારીધારકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. આ ઘટના સ્વામિનારાયણ પાર્ક નજીક બની હતી, જ્યાં રોડ પર ગેરકાયદે રીતે ઉભી રાખવામાં આવેલી શાકભાજીની લારીઓ દૂર કરવા માટે એએમસીની ટીમ પહોંચી હતી. દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન અચાનક વાતાવરણ તંગ બની ગયું હતું.
મળતી માહિતી મુજબ, સ્વામિનારાયણ પાર્ક પાસે રોડ પર લાંબા સમયથી શાકભાજીની લારીઓ ઉભી રહેતી હતી, જેના કારણે રસ્તા પર અવરજવર કરવામાં લોકોને મુશ્કેલી પડતી હતી. વારંવારની ફરિયાદો બાદ એએમસી દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એએમસીની ટીમ ગાડી સાથે સ્થળ પર પહોંચીને લારીઓ હટાવવાનું કામ શરૂ કરી રહી હતી, ત્યારે લારીધારકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. વાતચીતથી મામલો ઉકેલવાનો પ્રયાસ થયો હતો, પરંતુ થોડા સમયમાં જ પરિસ્થિતિ વણસી ગઈ હતી. કેટલાક શાકભાજીના લારીધારકોએ છસ્ઝ્રની ટીમની ગાડી પર શાકભાજી ફેંકી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એએમસીની કાર્યવાહી સામે લારીધારકોનો વિરોધ વધુ ઉગ્ર બનતો ગયો હતો.
વિરોધ દરમિયાન કેટલાક લારીધારકોએ રોડ પર પોતાની લારીઓ આડી રાખી રસ્તો રોકી દીધો હતો. જેના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ સર્જાયું હતું. રોડ પર વાહનોની લાંબી ક્તારો લાગી ગઈ હતી અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિક લોકો પણ અચાનક થયેલા આ વિવાદને જોઈને ચિંતામાં મુકાઈ ગયા હતા.