જીલ્લા કે રાજ્ય બહારથી આવતા મજૂરો-કામદારોની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે.
આગામી તહેવારો (નાતાલ, નવું વર્ષ, મકરસંક્રાંતિ) દરમિયાન જીલ્લામાં જાહેર શાંતિ-સુલેહ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા જીલ્લામાં રાષ્ટ્રવિરોધી, ભાંગફોડીયા પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાઓ તેમજ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા હેતુ પંચમહાલના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.જે.પટેલ દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ પંચમહાલ જીલ્લામાં જીલ્લા બહારના કે રાજ્ય બહારના મજૂરો, કારીગરો કે કામદારોને (જેમ કે કડિયાકામ, ઈંટોના ભઠ્ઠા, ધાબા હોટલ રેસ્ટોન્ટ, ગેસ્ટહાઉસ, ફેકટરી, કારખાના, ખાણીપીણીની દુકાનો, લારીઓ તથા કલરકામ વગેરે સ્થળે) કામે રાખતા તમામ માલિકો, એજન્ટો, કે દલાલોએ સંબંધિત મજૂર, કારીગર કે કામદારની સંપૂર્ણ વિગતો (નામ, સરનામું, મોબાઈલ નંબર અને આઇડી પ્રૂફ સહિત) નિયત નમૂનાના ફોર્મમાં ભરીને ફરજીયાતપણે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે 24 કલાકમાં લેખિતમાં જમા કરાવવાની રહેશે.
આ હુકમ/જાહેરનામુ તા.14/11/2025 થી બે માસ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામા કે હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.