પંચમહાલ જીલ્લામાં રાજયના કે રાજય બહારના રાજયોમાંથી, અગર દેશ બહારથી આવતા ત્રાસવાદી/અસામાજીક તત્વો જીલ્લાની હોટલો, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓમાં ગુપ્ત આશરો મેળવી રૂમો ભાડે રાખીને રહેતા હોય છે અને સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. આવા ગંભીર પ્રકારના ગુન્હાઓ ઉપર અંકુશ મેળવવા સારૂ હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળામાં ભાડે આપતા માલીકો રૂમ ભાડેથી આપે ત્યારે કેટલીક શરતોનું પાલન કરે તો ગંભીર પ્રકારના બનતા ગુન્હાઓ ઉપર અંકુશ લાવી શકાય તેમજ લોકોની જાનમાલને નુકશાન થતુ અટકાવી શકાય તે હકીકતને ધ્યાને લેતાં તથા સુરક્ષા અને સલામતીની દૃષ્ટિએ પંચમહાલના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.જે.પટેલએ તેમને મળેલ સત્તાની રૂએ પંચમહાલ જીલ્લાની હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ, મુસાફરખાના, અગત્યની સંસ્થાઓ, મંદિર, મસ્જિદ, મદ્રેસાના માલિકો, ટ્રસ્ટીઓ, સંચાલકોને આ જાહેરનામામાં દર્શાવેલ કેટલીક શરતોનું અક્ષરસ: પાલન કરવા આદેશ કર્યો છે.
આ જાહેરનામામાં પંચમહાલ જીલ્લાની હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ, મુસાફરખાના, અગત્યની સંસ્થાઓ, મંદિર, મસ્જિદ, મદ્રેસાના માલિકો, ટ્રસ્ટીઓ, સંચાલકોને વિદેશી નાગરીક આવે ત્યારે તેનો પાસપોર્ટ વિઝા અને ભારતમાં આવ્યા અંગેની ડીટેઈલ સહીતની કોપી લેવા, યોગ્ય પ્રર્ફોમા મુજબનુ રજીસ્ટર બનાવી આવતા જતા તમામ અતિથિઓની રજીસ્ટરમાં નોંધણી કરવા, દેશી વિદેશી નાગરીકને પાસપોર્ટ- વિઝા અને ભારતના સરનામાં અને વિદેશ નાગરીક તરીકે નોંધણી કરાવેલ હોય તો રેસીડેન્સીયલ પરમીટની કોપી મેળવવા અને રેકર્ડમાં રાખવા, દેશી વિદેશી નાગરીકને લગતા નિયમ મુજબ સી-ફોર્મ ફોરેનર્સ રજીસ્ટ્રેશન રૂલ્સ સને. 1939 મુજબના નમુનાના ફોર્મમાં પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરાની ફોરેનર્સ બ્રાન્ચમાં 24 કલાકમાં રીપોર્ટ સહીત રજુ કરવા, દેશી વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ, સરનામા ટેલીફોન સહીતના નકકર પુરાવા મેળવવા, કોઈપણ મુસાફરની શંકાસ્પદ હીલચાલ જણાયેથી તાત્કાલીક પોલીસ વિભાગને જાણ કરવા, કોઈપણ બહારના રાજયના મુસાફરો રોકાણ કરે ત્યારે સંસ્થાના જવાબદાર વ્યકિતએ તે બાબતની જાણ કરવા અને ઉપર જણાવેલ શરતો મુજબ પુરાવા સહીત સમય મર્યાદામાં સ્થાનિક પોલીસને રજુ કરવા તેમજ અજાણ્યા દેશી વિદેશી નાગરીકોને હોટલો, ગેસ્ટહાઉસ, ધર્મશાળામાં પ્રવેશ ન આપવા સહિતની શરતોનું અક્ષરસ: પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે.
આ હુકમ તા.14/11/2025 થી આગામી બે માસ સુધી અમલમાં રહેશે તેમજ આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.