બોડેલી બજારમાં દિવાળીના દીવડાનું સ્થાન ઈલેક્ટ્રિક સિરીઝે લીધું

પ્રકાશના પર્વ દિવાળીના આગમન સાથે બોડેલી બજારમાં તહેવારની ખરીદીનો માહોલ જામ્યો છે. વર્ષોથી દિવાળીમાં ઘરને દીવડા અને તોરણથી શણગારવાની પરંપરા રહી છે. આધુનિક યુગમાં આ પરંપરામાં બદલાવ જોવા મળી રહ્યો છે. હવે માટીના કોડિયાં અને પરંપરાગત તોરણની જગ્યાએ રંગબેરંગી ઇલેક્ટ્રિક સીરીઝ અને ડેકોરેટિવ લાઇટિંગનો ક્રેઝ વધ્યો છે. બજારમાં તેની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે.

દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ. બોડેલી તાલુકામાં ઘરો, દુકાનો, ફેક્ટરીઓ, મંદિરો અને સરકારી ઇમારતોને રોશનીથી ઝગમગાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અગાઉ અલગ-અલગ રંગના મોટા ગોળા અને દીવડાંના તોરણ બનાવીને શણગાર કરવામાં આવતો હતો.

વધુ વીજ વપરાશ અને વીજ બિલના કારણે ધીમે ધીમે નાના બલ્બ અને આધુનિક લાઇટિંગે સ્થાન લીધું છે. બજારમાં હવે અવનવી ડિઝાઇનની ઇલેક્ટ્રિક સીરીઝ ઉપલબ્ધ છે. બોડેલીના વીજ ઉપકરણોના વેપારી જ્યોતિષ બારીયાએ જણાવ્યું હતું કે દિવાળીના દિવસોમાં ઘરોને રોશનીથી શણગારવા લોકો ઇલેક્ટ્રિક લાઇટિંગ સીરીઝની ખરીદી કરી રહ્યા છે.

ચાઇનીઝ અને ભારતીય બનાવટની રંગબેરંગી સીરીઝની માંગ છે. બંનેમાં તફાવત એ છે કે ચાઇનીઝ સીરીઝના લેમ્પ બદલી શકાતા નથી. તેનું રિપેરિંગ પણ થતું નથી. આમ, સમયની સાથે દિવાળીની ઉજવણીમાં આધુનિકતાનો રંગ ભળ્યો છે. પરંપરાગત કોડિયાંનું સ્થાન હવે રંગબેરંગી ઇલેક્ટ્રિક સીરીઝ લઈ રહી છે.