કાલોલમાં ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા ભવ્ય સામૂહિક શસ્ત્રપૂજન અને બાઈક રેલી યોજાઈ: ક્ષત્રિય સમાજે દર્શાવી એકતાની તાકાત

કાલોલ પંથકમાં વિજયાદશમીના પાવન પર્વની ભારે ધામધૂમથી અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કાલોલ ક્ષત્રિય કેળવણી મંડળના નેજા હેઠળ ભવ્ય સામૂહિક શસ્ત્રપૂજન અને વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં સમાજની એકતા, સંગઠન અને ક્ષત્રિય સંસ્કૃતિનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો.

દશેરા પર્વની ઉજવણીના ભાગ‚પે કાલોલ-ગોધરા હાઇવે પર આવેલ શિશુ મંદિર ખાતે સામૂહિક શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.

ગૌષ્ણેશ્વર મહાદેવ સુધી ભવ્ય બાઈક રેલી

શસ્ત્રપૂજન સંપન્ન થયા બાદ શિશુ મંદિરથી મધવાસ સ્થિત ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર સુધી એક વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો જોડાતા ક્ષત્રિય શક્તિ અને એકતાના દર્શન થયા હતા.

સમાજના અગ્રણીઓ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ

આ પ્રેરણાદાયી પ્રસંગે રતનસિંહ ચૌહાણ (પ્રમુખ, કાલોલ ક્ષત્રિય કેળવણી મંડળ),રાજપાલસિંહ જાદવ (સાંસદ, પંચમહાલ લોકસભા),ફતેસિંહ ચૌહાણ (ધારાસભ્ય, કાલોલ),ઇન્દ્રજીત મહારાજ સહિત સમાજના અનેક વડીલો, અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાલોલ ક્ષત્રિય કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ અને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે સૌને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે:

“સમાજના યુવાનો એકતાની ભાવના જાળવી રાખે અને શિક્ષણને પ્રાથમિકતા આપે તે અત્યંત જ‚રી છે. સમાજમાંથી દૂષણો દૂર કરી શિક્ષણ, વ્યવસાય અને સામાજીક સેવામાં યુવાનો આગળ વધે તે સમયની માંગ છે.”તેમણે ઉમેર્યું હતું કે, “ક્ષત્રિય સમાજ જ્યારે પણ કોઈ કાર્ય હાથમાં લે છે, ત્યારે તેને પૂરું કરીને જ રહે છે.” આ સાથે તેમણે સૌને સંગઠિત રહીને સમાજના સર્વાંગી ઉત્થાન માટે કાર્ય કરવા હાકલ કરી હતી.