પાવાગઢ શકિતપીઠ ખાતે છેલ્લા નોરતે લાખો માઈ ભકતો દર્શન માટે ઉમટયા

આસો નવરાત્રિના અંતિમ નોરતે શક્તિપીઠ પાવાગઢ ખાતે મા કાલિકાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડતા આખું યાત્રાધામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું.

પાવાગઢમાં આજે આઠમું અને નવમું નોરતું મનાવવામાં આવશે. વર્ષો જૂની પરંપરા મુજબ સાંજે ૪ વાગ્યે મંદિર પરિસરમાં ભવ્ય નવચંડી યજ્ઞ અને હવન-પૂજાનું આયોજન કરાયું છે.

આ પવિત્ર ધાર્મિક પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે મા મહાકાળીની વિશેષ પૂજા-અર્ચના કરાશે અને હવનકુંડમાં નાળિયેર હોમી આરાધના કરાશે.

આ યજ્ઞમાં મંદિર ટ્રસ્ટના સભ્યો, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં માઈભક્તો અને યાત્રાળુઓ જોડાશે. આ ભવ્ય હવન-પૂજા સાથે જ પાવાગઢ ખાતે નવરાત્રી ઉત્સવની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ કરાશે.

મંદિર ખુલતા જ ઉમટી પડ્યા દર્શનાર્થીઓ નવરાત્રિના પહેલા નોરતાથી જ પાવાગઢ મહાકાળી માતાના મંદિરે દર્શનાર્થીઓની ભીડ હતી. ગુજરાત સહિત અલગ-અલગ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવ્યા હતા. માતાજીના આશીર્વાદ લેવા ભક્તો વહેલી સવારથી જ પાવાગઢ પહોંચ્યા. મંદિરના દ્વાર ખુલતા જ દર્શન માટે લાંબી કતારો લાગી. ભક્તોએ માતાજીના જયઘોષ સાથે મા કાલિકાના દર્શન કર્યા.

આસો નવરાત્રિના અંતિમ નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર પાવાગઢ મહાકાળી માતાનું મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. નવરાત્રિ દરમિયાન અહીં ખાસ ધાર્મિક માહોલ હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. અંતિમ નોરતે ભક્તોએ માતાજીના દર્શન કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. પાવાગઢમાં જોવા મળેલી ભીડ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા બતાવે છે.