વિરપુર બસ સ્ટેશનમાં એક વર્ષ બાદ ડ્રેનજ ઠપ્પ થતાં શોૈચાલયને તાળા

વિરપુર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલા નવા બસ સ્ટેન્ડને હજુ માંડ એકાદ વર્ષ જેટલો સમય થયો છે ત્યાં જ તેની પાયાની સુવિધાઓની જાળવણીનો અભાવ સામે આવ્યો છે. બસ સ્ટેન્ડમાં આવેલુ જાહેર શોૈચાલય ગટર ઉભરાવવાના કારણે છેલ્લા ત્રણ દિવસથી બંધ હાલતમાં છે. અને બહાર ‘બંધ છે’ ના પાટિયા મારવામાં આવ્યા છે.દરરોજ મુસાફરી કરતા હજારો પ્રવાસીઓ ખાસ કરીને મહિલાઓ અને સિનીયર સિટીઝનોને શોૈચાલય બંધ હોવાથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સુવિધાના અભાવે કેટલાક મુસાફરો બસ સ્ટેન્ડની આસપાસ ખુલ્લામાં જ શોૈચક્રિયા કરવા મજબુત બનતા આસપાસ દુર્ગંધ અને ગંદકીના દ્રશ્યો સર્જાયા છે. એક તરફ સ્વચ્છ ગુજરાતના નારા સાથે સફાઈ અભિયાનો ચલાવવામાં આવે છે ત્યારે બીજી તરફ મહત્વના જાહેર સ્થળોએ ત્રણ-ત્રણ દિવસ સુધી શોૈચાલય બંધ રહેતા એસ.ટી.નિગમ અને તંત્રની લાલિયાવાડી સામે અનેક સવાલો ઉભા થયા છે.