
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે કુલ ત્રણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના નામ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે ભલામણ કરી છે. કોલેજીયમની ભલામણમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ ઉપરાંત દિલ્હી હાઇકોર્ટ અને તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસના નામનો પણ સમાવેશ થાય છે. હવે કેન્દ્ર સરકારની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવશે.
જા જસ્ટીસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થાય છે, તો ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું પદ ખાલી થશે. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટને નવા ચીફ જસ્ટીસ મળી શકે છે. સામાન્ય રીતે આવી નિમણૂક માટે કોલેજીયમ દ્વારા ભલામણ અને ત્યારબાદ કેન્દ્ર સરકાર તથા રાષ્ટ્રપતિ સ્તરે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
જસ્ટીસ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે મહત્વપૂર્ણ કેસોમાં સુનાવણી કરી છે. તેમની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકની ભલામણને કારણે ગુજરાતની ન્યાયિક વ્યવસ્થામાં પણ આગામી સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર જાવા મળી શકે છે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે સેવા આપ્યા બાદ અનેક ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે. અગાઉ જસ્ટીસ અરવિંદ કુમાર અને જસ્ટીસ વિક્રમ નાથ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચૂક્્યા છે અને બાદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. આ કારણે જસ્ટીસ સુનિતા અગ્રવાલની ભલામણ બાદ ગુજરાત હાઇકોર્ટ માટે નવા ચીફ જસ્ટીસની નિમણૂક અંગે પણ હવે ચર્ચા તેજ બની છે.
સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા એકસાથે ત્રણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને સુપ્રીમ કોર્ટમાં લાવવાની ભલામણ કરવામાં આવી છે. તેમાં ગુજરાત હાઇકોર્ટમાંથી ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ, દિલ્હી હાઇકોર્ટમાંથી ચીફ જસ્ટીસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અપ્રેશ કુમાર સિંઘનો સમાવેશ થાય છે. હવે આ ભલામણ પર આગળની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ નિમણૂક થશે. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ અંગે પણ નિર્ણય લેવામાં આવશે.