
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની ગુજરાતમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી ત્યારે અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે વિશ્વ ઉમિયાધામ મંદિર પરિસરમાં ૭ હજાર ૬૦૦ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. એકસાથે હજારો દીવડાઓ ઝગમગી ઉઠતાં સમગ્ર મંદિર પરિસર દિવ્ય અને ભવ્ય નજારો બની ગયું હતું.
આ ખાસ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વ ઉમિયાધામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મધરાતે ૧૨ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા ઉમિયાની મહાઆરતી ઉતારી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જાવા મળ્યો હતો. મહાઆરતી બાદ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સારા સ્વાસ્થ્ય, નિરોગી જીવન અને દીર્ઘાયુ માટે મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
મોદીના ૭૬મા જન્મદિવસને ધ્યાનમાં રાખીને ૭,૬૦૦ દીવડાઓ પ્રગટાવવાનો કાર્યક્રમ ખાસ રીતે કરવામાં આવ્યો હતો. દીવડાઓની રોશનીથી વિશ્વ ઉમિયાધામનો સમગ્ર વિસ્તાર ઝગમગી ઉઠ્યો હતો. રાત્રિના સમયે મંદિર પરિસરનો આ નજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો અને ભક્તો જોડાયા હતા.
મહાઆરતી સાથે આ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ એકસાથે ‘વંદે માતરમ્’નું ગાન કર્યું હતું. મળતી માહિતી મુજબ, ૧૫૦ જેટલા જનરલ ઝેડ યુવાનોની આગેવાનીમાં ૫ હજારથી વધુ લોકોએ ‘વંદે માતરમ્’ ગાયું હતું. આ દરમિયાન વિશ્વ ઉમિયાધામ પરિસર દેશભક્તિના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.
હજારો લોકો આ કાર્યક્રમમાં પહોંચ્યા હોવાથી ભક્તોની અવરજવર સરળ રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દર્શનાર્થીઓને ઘરે પરત ફરવામાં મુશ્કેલી ન પડે તે માટે એએમટીએસ દ્વારા ૧૦૦ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બસો દ્વારા ભક્તોને સરળતાથી પોતાના સ્થળે પહોંચવાની સુવિધા મળી હતી.
આ રીતે પીએમ મોદીના ૭૬મા જન્મદિવસે અમદાવાદનું વિશ્વ ઉમિયાધામ ભક્તિ, દીપોત્સવ અને દેશભક્તિના અનોખા સંગમનું સાક્ષી બન્યું હતું. ૭,૬૦૦ દીવડાઓની રોશની વચ્ચે મા ઉમિયાની મહાઆરતી અને પીએમ મોદીના દીર્ઘાયુ માટે કરવામાં આવેલી પ્રાર્થનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.