
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ટેક હોમ રાશન અને અન્નમાંથી બનાવેલી ૪૩ પ્રકારની વાનગીઓનું પ્રદર્શન યોજાયું.
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર આંગણવાડી બહેનોને પુરસ્કૃત કરી સન્માનિત કરાયા ‘આંગણવાડીની ABCD’ માર્ગદર્શિકાનું વિમોચન અને પોષણ શપથ ગ્રહણ કરાવાયા
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ‘પોષણ ઉત્સવ ૨૦૨૬’ ની ઉજવણીના ભાગરૂપે દાહોદ સ્થિત આદિજાતિ ભવન ખાતે જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો દ્વારા ટેક હોમ રાશન (THR), મિલેટ્સ તેમજ શ્રી અન્નનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલી વિવિધ ૪૩ પ્રકારની અતિ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ દાહોદ જીલ્લા પંચાયતના ચેરમેન ડો. રોશનીબેનની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સુધીર જોશી સહિત તમામ સીડીપીઓ (CDPO) તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમ દરમિયાન ભાટીવાડા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પોષણ થીમ પર જાગૃતિ લક્ષી રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે આંગણવાડીની તમામ સેવાઓની સરળ માહિતી આપતી આંગણવાડીની ABCD’નું વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કાર્યકરોએ પોષણ માહ અંતર્ગત સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યે જાગૃત રહેવાના શપથ ગ્રહણ કર્યા હતા.
આંગણવાડી બહેનોમાં ઉત્સાહ વધારવા અને પૌષ્ટિક આહારના મહત્વને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં વાનગીઓના પ્રદર્શનનું તટસ્થ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રેષ્ઠ ગુણવત્તા અને પૌષ્ટિકતા ધરાવતી વાનગીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી વિજેતા આંગણવાડી બહેનોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.