ઝાલોદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં બે મહત્વની સમિતિઓની રચના

ધારાસભ્ય મહેશ ભૂરીયા અને પ્રમુખ સુરેશ કટારાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

ઝાલોદ તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક ગુ‚વાર, તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારે ૧૧ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં ધારાસભ્ય મહેશ ભૂરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ કટારાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં તાલુકા પંચાયતના વિકાસલક્ષી કામો સહિત વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કારોબારી સમિતિ તથા સામાજીક ન્યાય સમિતિની રચના સર્વસંમતિથી કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન અગાઉ તા. ૮ જુલાઈના રોજ મળેલી પ્રથમ સામાન્ય સભાની કાર્યવાહી વાંચીને તેને બહાલી આપવામાં આવી હતી. ઝાલોદ તાલુકા પંચાયતના વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલા નવરચિત ગોવિંદ ગુ‚ લીમડી તાલુકાને સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરીને પણ બહાલી આપવામાં આવી હતી. સાથે જ બંને તાલુકાના વિભાજનને પગલે સહભંડોળની બચત રકમ અંગે ચર્ચા કરી આયોજન કરવા તેમજ ૧૬મા નાણાપંચની ગ્રાન્ટમાંથી નવા વિકાસ કામો હાથ ધરવા અંગે ચર્ચા થઈ હતી.

તાલુકા પંચાયત હસ્તકની વિવિધ પ્રાથમિક શાળાઓના જૂના અને જર્જરિત વર્ગખંડોની મરામત માટે આવેલી દરખાસ્તો અંગે પણ ચર્ચા કરી મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ (જી. રામજી) યોજના અંગે ચર્ચા કરી આગામી આયોજન અંગે વિચારણા કરવામાં આવી હતી.

ઝાલોદ તાલુકા પંચાયતના વહીવટી કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર, કમ્પાઉન્ડ વોલ, આરસીસી રસ્તો, સુરક્ષિત ગેટ અને ડ્રેનેજ-ગટર સહિતના નવા બાંધકામ કામો અંગે ચર્ચા કરી સરકારમાં દરખાસ્ત મોકલવા અંગે નિર્ણય લેવાયો હતો. તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની જૂની અને જર્જરિત મિલકતો, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર સહિતની મિલકતોના સમારકામ માટે આવેલી દરખાસ્તો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગોવિંદ ગુ‚ લીમડી તાલુકાના અસ્તિત્વમાં આવતા સંકલિત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ.)ના ઘટક-૧, ૨ અને ૩ના વિભાજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા પંચાયતની ૨૦ ટકા બચત તથા વ્યાજની ગ્રાન્ટમાંથી અગાઉ કરવામાં આવેલી વિકાસ કામોની દરખાસ્તો રદ કરી નવા વિકાસ કામોની દરખાસ્ત કરવા તેમજ તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં ૧૬મા નાણાપંચની ક્ધટીજન્સી ગ્રાન્ટમાંથી નવા શૌચાલયનું નિર્માણ કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.

કારોબારી સમિતિની રચના

સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચના સર્વસંમતિથી કરવામાં આવી હતી. જેમાં સંજયભાઈ નાનુસિંહ મુનિયા (ગરાડુ), ખીમાબેન બદાભાઈ ચૌહાણ (છાસીયા), એલ્વીનાબેન સ્વપ્નીલભાઈ ભૂરીયા (ગામડી), સંગીતાબેન બીપીનભાઈ ડામોર (જેતપુર), હિમ્મતભાઈ મસુભાઈ ડામોર (કદવાલ-૧), અ‚ણાબેન નરેન્દ્રભાઈ ગરાસિયા (મહુડી), કાન્તીભાઈ માંગુભાઈ વગોણા (ફૂલપુરા), તેજલબેન માનસીંગભાઈ ભાભોર (ધાવડીયા) અને લલિતાબેન શંકરભાઈ ડામોર (મુનખોસાલા)ની પસંદગી કરવામાં આવી હતી.

સામાજીક ન્યાય સમિતિમાં પાંચ સભ્યો

સામાજીક ન્યાય સમિતિમાં રાજેશભાઈ છગનભાઈ સંગાડા (થેરકા), કાન્તીભાઈ માંગુભાઈ વગોણા (ફૂલપુરા), સુનંદાબેન શંકરભાઈ કામોળ (ખરસાણા), લલિતાબેન શંકરભાઈ ડામોર (મુનખોસાલા) અને હિમ્મતભાઈ મસુભાઈ ડામોર (કદવાલ-૧)ની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી હતી.

બંને સમિતિઓની રચના ધારાસભ્ય મહેશ ભૂરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ કટારાની અધ્યક્ષતામાં રજૂ થયેલી દરખાસ્તોને આધારે કરવામાં આવી હતી.

બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી નાનજીભાઈ રાઠવા, તાલુકા પંચાયતના સભ્યો, સંબંધિત કર્મચારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તાલુકાના વિકાસને વેગ આપવા અને વિભાજન બાદના વહીવટી આયોજનને સુવ્યવસ્થિત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.