
શહેરામાં સ્વચ્છ નગરના દાવા પોકળ: દીવાલો પર સ્લોગન, રસ્તા પર ગંદકી!
શહેરા નગરપાલિકા દ્વારા નગરને ‘સ્વચ્છ નગર’ બનાવવાનો દાવો કરતું લખાણ જાહેર દીવાલો પર જોવા મળે છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ છે. નગરના અંદરના વિસ્તારો, ખાસ કરીને શુકલ ખડકીથી ગણેશ ચોક સુધીના માર્ગ પર પાછલા કેટલાક દિવસથી ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલું છે. પાલિકાની સ્વચ્છતા પ્રત્યેની આ ગંભીરતા કેટલે અંશે સાચી છે, તે અહીંના દ્રશ્યો પરથી સાબિત થાય છે. જાગૃત નાગરિકો હવે વહેલી તકે દવાનો છંટકાવ અને સફાઈ કરવાની માંગ કરી રહ્યા છે.
શહેરા નગર વિસ્તારમાં વિવિધ જાહેર સ્થળો અને દીવાલો પર પાલિકા તંત્ર દ્વારા “શહેરા નગર, સ્વચ્છ નગર જેવા સૂત્રો લખવામાં આવ્યા છે, જે પ્રથમ દ્રષ્ટિએ નગરની સ્વચ્છતા અંગે ઊંચા દાવા કરે છે. જોકે, આ દાવાઓ માત્ર દીવાલો પર જ સીમિત રહી ગયા હોય તેમ લાગે છે. નગરના શુકલ ખડકી વિસ્તારથી ગણેશ ચોક તરફ જવાના માર્ગ પર પસાર થતાં જ ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે, છતાં સફાઈ કરવામાં આવી રહી નથી.
પાલિકા તંત્રની સ્વચ્છતા પ્રત્યેની આવી બેદરકારીને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ છે. જાગૃત નગરજનોનું કહેવું છે કે, માત્ર દીવાલો પર સ્લોગન લખવાથી નગર સ્વચ્છ નથી થતું. ગંદકીના ઢગલાના કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા ચેપી રોગો ફાટી નીકળવાનો પણ ભય છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ ગંભીર ચિંતાનો વિષય છે.નગર પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે જેથી મચ્છરો અને બેક્ટેરિયાનો નાશ થાય. વધુમાં, નગરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ આવી ગંદકીના ઢગલા છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ પણ જાગૃત નાગરિકો કરી રહ્યા હતા. જ્યારે પ્રશાસનની જવાબદેહી અને નાગરિકોની જાગકતા ભેગી મળશે, ત્યારે જ ‘સ્વચ્છ શહેરા, સુંદર શહેરા’નો દાવો સાચા અર્થમાં સાકાર થઈ શકશે..