નેતાઓ પહોંચ્યા ને બસ દોડી! વિજયભાઈ અમલીયાર અને પરેશભાઈ ગણવાએ ઝરી બુઝર્ગમાં બસને આપી લીલી ઝંડી!

ગરબાડા તાલુકાના છેવાડાના અને અંતરિયાળ ગણાતા ઝરી બુઝર્ગ ગામના લોકો અને વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગામના લોકોને પરિવહન માટે પડતી હાલાકીનો હવે અંત આવ્યો છે. ઝરી બુઝર્ગ ખાતે નવીન એસ.ટી. બસ સેવાને શાસ્ત્રોક્ત વિધિ મુજબ નાળિયેર ફોડી અને લીલી ઝંડી આપી ધામધૂમથી શુભારંભ કરાવવામાં આવ્યો છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર તથા તાલુકા પંચાયત સભ્ય પરેશભાઈ ગણવા દ્વારા બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેવા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને અને ખાસ કરીને શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને દૈનિક અવરજવર માટે મોટો ફાયદો થશે. અંતરિયાળ વિસ્તારમાં બસ સુવિધા શરૂ થતાં સ્થાનિકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુલબારના તાલુકા પંચાયત સભ્ય શૈલેષભાઈ મડોડ, જાંબુઆના સરપંચ તેમજ ગામના અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બધાએ સાથે મળી બસનું સ્વાગત કરી વધામણાં કર્યા હતા.