ગોધરા તાલુકાની સખીદાસની મુવાડી પ્રાથમિક શાળાનું વિલીનીકરણ સ્થગિત

ધારાસભ્ય સી.કે. રાઉલજીની રજુઆતનું પરિણામ.

જીલ્લા પંચાયત શિક્ષણ શાખા, પંચમહાલ-ગોધરા દ્વારા ગોધરા તાલુકાની સખીદાસની મુવાડી પ્રાથમિક શાળાને વટલાવ પ્રાથમિક શાળામાં વિલીનીકરણ (મર્જ) કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈને વાલીઓ અને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

બાળકોના ઉજ્જવળ શૈક્ષણિક હિત, ભૌગોલિક પરિસ્થિતિ અને અવરજવર માટે વાહનવ્યવહારની ગંભીર મુશ્કેલીઓને ધ્યાને રાખીને શાળાના વાલીઓ, સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ ગોધરાના લોકલાડીલા ધારાસભ્ય સી. કે. રાઉલજી સમક્ષ રજૂઆત કરી હતી.

લોકોની આ રજૂઆતને અગ્રતા આપીને ધારાસભ્યએ સંબંધિત વિભાગને આ વિલીનીકરણનો હુકમ તુરંત બંધ કરવા સૂચના આપી હતી. ધારાસભ્યની ભલામણથી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા જીલ્લા શિક્ષણ સમિતિ, પંચમહાલ-ગોધરા દ્વારા અગાઉનો વિલીનીકરણનો હુકમ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યો છે.

આ નિર્ણયથી સખીદાસની મુવાડી પ્રાથમિક શાળા હવે પોતાની મૂળ જગ્યા પર જ રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખશે.

શાળાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી આ સકારાત્મક અને લોકઉપયોગી નિર્ણય અપાવવા બદલ તમામ ગ્રામજનો, વાલીઓ અને આગેવાનો દ્વારા માનનીય ધારાસભ્ય સી. કે. રાઉલજીનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.