લીમખેડાના સોના ગેસ એજન્સીમાં ગેસ બુકિંગના ૧૧ દિવસ બાદ પણ DAC નંબર નહિ મળતા ગૃહિણીઓમાં રોષ

લીમખેડા પંથકમાં ઇન્ડિયન ગેસના ગ્રાહકોને ગેસ રિફિલ બુકિંગ કરાવ્યાના ૧૧ દિવસ બાદ પણ DAC અને બુકિંગ રેફરન્સ નંબર મળ્યા નથી. આ ટેકનિકલ ખામી અને એજન્સીની ઉદાસીનતાને કારણે ગૃહિણીઓ અને શ્રમિક પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક ગ્રાહક ચંચીબેન પુજાભાઈ પ્રજાપતિએ ગત ૨૮/૦૩/૨૦૨૬ ના રોજ ઇન્ડિયન ગેસના સત્તાવાર બુકિંગ નંબર ૭૭૧૮૯૫૫૫૫૫ પર સિલિન્ડર બુક કરાવ્યો હતો. બુકિંગ બાદ કંપની તરફથી ૮ કલાકમાં રેફરન્સ નંબર મોકલવાનો મેસેજ આવ્યો હતો.

જોકે, ૧૧ દિવસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ગ્રાહકને હજુ સુધી કોઈ રેફરન્સ નંબર કે DAC નંબર પ્રાપ્ત થયો નથી. આના કારણે ગ્રાહકોને સમયસર ગેસનો બોટલ મળી રહ્યો નથી.પીડિત ગ્રાહકે સોના ગેસ એજન્સી પર રૂબરૂ જઈને તપાસ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.એજન્સીના આવા ઉડાવ જવાબથી ગ્રાહકો અટવાયા છે.સોના ગેસ એજન્સી લીમખેડાના સંચાલક સોનાબેન સાથેે ટેકનિકલ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “બુકિંગ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન છે, તેમાં અમારે કંઈ કરવાનું રહેતું નથી.” તેમ જણાવ્યુ હતુ.દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે, જ્યાં લોકો ઓનલાઇન જટિલ પ્રક્રિયાઓથી અજાણ છે. આવા સંજોગોમાં એજન્સી મદદ કરવાને બદલે જવાબદારીમાંથી છટકી રહી છે. નોંધનીય છે કે, હાલમાં મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ પુરવઠો પ્રભાવિત થયો છે. પુરવઠો પૂરતા પ્રમાણમાં ન આવતો હોવાથી અને ઉપરથી આ પ્રકારની ટેકનિકલ સમસ્યાઓને કારણે ગ્રાહકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.

ગ્રાહક ગ્રાહક ચંચીબેન પુજાભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, ગેસનો બોટલ પુરો થઈ ગયા બાદ ગેસનુ મોબાઈલથી બુકિંગ કરાવ્યુ હતુ પરંતુ ૧૧ દિવસ વિતવા છતા મોબાઈલ મા DAC નંબર આવ્યો નથી, અને જેના કારણે એજન્સી ગેસનો બોટલ આપતી નથી, રજુઆત કરીએ છીએ તો કોઈ સરખો જવાબ મળતો નથી, જેથી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામા આવે અને યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેમ જણાવ્યુ હતુ.આ મામલે દાહોદ જિલ્લા પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક દરમિયાનગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં અને સમયસર ગેસના બોટલ મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને એજન્સીઓની મનસ્વી કામગીરી પર લગામ કસવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે. ગ્રાહકો હવે આશા રાખી રહ્યા છે કે ઉચ્ચ કક્ષાએથી કોઈ નક્કર પગલાં લેવામાં આવશે.