
સિંગવડ તાલુકામાં ૭ એપ્રિલના રોજ ઉનાળાની ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમા પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.
કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેનાથી ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. પવનના સુસવાટા સાથે વરસેલા આ માવઠાએ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અસર પહોંચાડી હતી અને લોકોને અચાનક ભીંજાવાનો અનુભવ થયો હતો.આ અણધાર્યા વરસાદથી ખેતી પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં ઉભા ઉનાળુ બાજરી, કેરી અને શાકભાજી જેવા રવિ પાકોને નુકસાન થવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.વરસાદ શરૂ થતાં જ વેપારીઓ અને મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. દુકાનોની બહાર રાખેલા માલસામાનને બચાવવા માટે પ્લાસ્ટિકથી ઢાંકવાની ફરજ પડી હતી. રસ્તા પર કામ કરતા અને પથારાવાળા લોકો પણ આશ્રય શોધતા જોવા મળ્યા હતા.એક તરફ આ માવઠાથી ગરમીમાં થોડી રાહત મળી છે, પરંતુ બીજી તરફ ખેતી અને વેપાર ક્ષેત્રે નુકસાનની ભીતિ યથાવત રહી છે.