ઝાલોદમાં પૂજારીની રહસ્યમય મોતથી ચકચાર : માછણ નદી કિનારે લોહીલુહાણ હાલતમાં લાશ મળી

સોના-ચાંદીના દાગીના ગાયબ, શરીર પર ઈજાના નિશાન લૂંટ પછી હત્યાની આશંકા, પરિવારનો આક્રંદ.

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં એક ચોંકાવનારી અને સંશયાસ્પદ ઘટના સામે આવી છે. ઝાલોદના ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી અને રામદેવ ભગવાનના ભગત તરીકે જાણીતા નગીનભાઈ વિરાભાઈ ભુનાતર (ઉંમર આશરે ૫૫ વર્ષ)ની થેરકા ગામે આવેલ પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે શંકાસ્પદ અને લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ નગીનભાઈ ભુનાતર ૧૧ માર્ચના રોજ સાંજે આશરે ૪ વાગ્યાના સમયે ભજન-કીર્તન માટે બહાર ગયા હતા. રાત્રિ દરમિયાન પરિવારજનોએ તેમના મોબાઇલ પર અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં ચિંતા વધી ગઈ હતી.

આ દરમિયાન ૧૨ માર્ચના રોજ બપોરના સમયે થેરકા ગામ નજીક પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે એક વ્યક્તિ પડેલી હોવાની માહિતી મળી હતી. ખેતરમાં કામ કરતા ખેડૂતોની નજર નદી કિનારે પડેલા વ્યક્તિ પર પડતાં તેઓ નજીક જઈ તપાસ કરતા તે રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ હોવાનું સામે આવ્યું હતું. તેઓ કોઈ હરકત ન કરતા મૃત હાલતમાં દેખાતા તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા જ આક્રંદ મચી ગયો હતો. પોતાના પરિવારના સભ્યને આ હાલતમાં જોઈ પરિવારજનો દુખથી તૂટી પડ્યા હતા. સ્થળ પર ક‚ણ દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનોએ રડતા રડતા પોલીસ પાસે ગુનેગારોને ઝડપથી પકડી કડક સજા કરવાની માંગ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલ, ઝાલોદ પી.આઈ રવિ ગામીત, દાહોદ જીલ્લા એઓજી તેમજ એલસીબીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર સ્થળને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે અને ઘટનાની ગંભીરતા જોતા એફ.એસ.એલ ટીમ તેમજ ડોગ સ્કવોડને પણ બોલાવવામાં આવ્યા છે. સૂત્રો મુજબ પૂજારી નગીનભાઈ સામાન્ય રીતે સોના-ચાંદીના દાગીના પહેરતા હતા, પરંતુ જ્યારે તેમની લાશ મળી ત્યારે શરીર પર એકપણ દાગીના જોવા મળ્યા નહોતા. સાથે સાથે શરીર પર ઈજાના સ્પષ્ટ નિશાન જોવા મળતા લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વધુ મજબૂત બની રહી છે.

આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક નગીનભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ એંગલ પરથી તપાસ કરવામાં આવી રહી છે, તેમજ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

ભગત તરીકે ઓળખાતા અને સૌમ્ય સ્વભાવ ધરાવતા પૂજારી સાથે આવું ક્રૂર કૃત્ય કોણે અને શા માટે કર્યું હશે તે પ્રશ્ર્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ રહસ્યમય મોતે ઝાલોદ અને આસપાસના વિસ્તારમાં ભય અને ચર્ચાનો માહોલ સર્જી દીધો છે. હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું.