ઝાલોદમાં ગેસનો હાહાકાર : ઇંડિયન ગેસ એજન્સી ખાતે બોટલ માટે ગ્રાહકોની પડાપડી

ચાર દિવસથી ગેસની ગાડી નથી આવી : બૂકિંગ હોવા છતાં ગ્રાહકોને વીલા મોઢે પરત ફરવું પડે છે.

ઓનલાઈન બૂકિંગ સર્વર ઠપ્પ : એજન્સી અને ગોડાઉન વચ્ચે ગ્રાહકોના ધક્કા.

ગુજરાત ગેસ ઓનલાઈન સુપરવાઇઝર ફોન નથી ઉઠાવતા : ગ્રાહકોમાં ભારે રોષ.

ઝાલોદ શહેરમાં આવેલ ઇંડિયન ગેસ એજન્સી ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ ગેસ બોટલનો ગંભીર અભાવ સર્જાતા ગ્રાહકોમાં ભારે અકળામણ જોવા મળી રહી છે. ગેસ બોટલ મેળવવા માટે ગ્રાહકોને એજન્સી ઓફિસ અને ગોડાઉન વચ્ચે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગેસની ગાડી ન આવતાં બૂકિંગ કરાવેલ હોવા છતાંય ગ્રાહકોને ગેસ બોટલ મળતી નથી અને તેઓ નિરાશ થઈ વીલા મોઢે પરત ફરી રહ્યા છે.

ઝાલોદ ઇંડિયન ગેસ એજન્સી પાસે હાલ ૪૧ હજારથી વધુ ઘરેલુ ગેસ ગ્રાહકો નોંધાયેલા છે. અગાઉ રોજ અંદાજે ૪૦૦ જેટલી ગેસ બૂકિંગ થતી હતી. જ્યારે હાલમાં આ સંખ્યા વધીને ૬૦૦થી વધુ થઈ ગઈ છે. પહેલા નગરમાં ગેસ બોટલની બે ગાડીઓ નિયમિત આવતી હતી, પરંતુ હાલમાં માત્ર એક જ ગાડી આવતાં પુરવઠો ઓછો પડી રહ્યો છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર દિવસથી ગેસની ગાડી પણ આવી નથી. જેના કારણે લોકોમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે.

છેલ્લા ત્રણ દિવસથી મોબાઈલ દ્વારા તેમજ એજન્સી ઓફિસ ખાતે પણ ઓનલાઈન બૂકિંગ માટે સર્વર ડાઉન રહેતા ગ્રાહકો ગેસ બૂકિંગ કરી શકતા નથી. ગેસ એજન્સી પર પહોંચતા ગ્રાહકોને ઉપરથી સર્વર ડાઉન હોવાનું કહી પરત મોકલી દેવામાં આવે છે. જેના કારણે ગેસ એજન્સી ખાતે મોટી લાઈનો અને ગ્રાહકોની દોડાદોડ જોવા મળી રહી છે.

ઝાલોદ ઇંડિયન ગેસ એજન્સીના મેનેજર અલ્કેશના જણાવ્યા મુજબ અચાનક ગેસ બૂકિંગની સંખ્યા વધી ગઈ છે. અગાઉ રોજ બે ગાડી ગેસ બોટલ આવતી હતી. જ્યારે હાલ માત્ર એક ગાડી જ આવી રહી છે, જેના કારણે પુરવઠામાં ખાધ સર્જાઈ છે. ઉપરથી ગેસ બોટલનો પુરવઠો નિયમિત થતાં સ્થિતિ સામાન્ય થઈ જશે. હાલ દરેક ઘરેલુ ગેસ ગ્રાહકો માટેeKYC ફરજીયાત છે અને જેમનુંeKYCપૂર્ણ હશે, તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. સર્વર ડાઉનની સમસ્યા કંપની તરફથી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

ગુજરાત ગેસ ઓનલાઈન ઘરેલુ ગેસ પુરવઠા સંબંધિત બાબતમાં પણ ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોના આક્ષેપ મુજબ ઓનલાઈન ‚પિયા ભર્યા હોવા છતાં ગેસ કનેક્શન આપવામાં આવતું નથી. ગુજરાત ગેસ ઓનલાઈનના સુપરવાઇઝર સાગર (મોબાઈલ નંબર ૬૩૫૧૪૬૩૯૧૯) છેલ્લા બે દિવસથી ગ્રાહકોના ફોન પણ ઉઠાવતા નથી. જેના કારણે લોકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. આવા ગેરજવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ લોકમાંગ ઉઠવા પામી છે.

ઝાલોદમાં આઈ.ટી.આઈ. સામે આવેલ ઇંડિયન ગેસ એજન્સીના ગોડાઉન ખાતે છેલ્લા ચાર દિવસથી ગ્રાહકો ગેસ બોટલ મેળવવા માટે ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ ઘરકામ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે ગેસ બોટલ લેવા આવે છે, પરંતુ બોટલ ન મળતાં તેઓમાં નિરાશા જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં લોકો રોજિંદા કામકાજ છોડીને ગેસ માટે આવતાં હોય છે અને મુસાફરીમાં પૈસાનો પણ બગાડ થાય છે, છતાં ગેસ બોટલ ન મળતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.