કૃષિ સંશોધન કેન્દ્ર્, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદ ખાતે ગુજરાતના અગત્યના પાકોમાં ગુણવતાસભર બીજ ઉત્પાદન વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

દાહોદ મુકામે આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટીનું કૃષિ સંશોધન કેન્દ્ર્ જે મુવાલિયા ફાર્મ તરીકે ખેડુતોમાં લોકપ્રિય છે. દાહોદ જીલ્લાના જુદા જુદા ગામોના ખેડૂત મિત્રોને કૃષિ સંશોધન કેન્દ્ર્ ખાતેથી ચોમાસુ ઋતુ દરમ્યાન સોયાબીન, ડાંગર, તુવેર, અડદ, કોદરા, નાગલી તેમજ શિયાળુ ઋતુ દરમ્યાન મકાઈ, ચણા, લસણ અને ઘઉંનું બીજ ઉત્પાદન કરી પુરતી માત્રામાં બિયારણ પૂરૂ પાડવામાં આવે છે.

કુલપતિ, ડો. કે. બી. કથીરિયા, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદનાં માર્ગદર્શન હેઠળ બ. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદના જનીન વિદ્યા અને પાક સંવર્ધન વિભાગ ખાતે કાર્યરત યોજના ટ્રેનીંગ પ્રોગ્રામ ઓન સીડ પ્રોડક્શન અંતર્ગત તારીખ ૧૩/૦૨/૨૦૨૬ ના રોજ કૃષિ સંશોધન કેન્દ્રા, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદના સંયુક્ત ઉપક્રમે દાહોદ જીલ્લાનાં ખેડૂતો માટે ગુજરાતના અગત્યના પાકોમાં ગુણવતા સભર બીજ ઉત્પાદન વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ દાહોદ મુકામે યોજવામાં આવ્યો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં બોરીયાલા, પાંચવાડા અને દેવધા ગામના ૭૦ જેટલા ખેડૂત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કૃષિ સંશોધન કેન્દ્ર્, આ.કૃ.યુ, મુવાલિયા ફાર્મ, દાહોદના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂતોમિત્રોને તથા આણંદ કેન્દ્ર ખાતેથી આવેલ વૈજ્ઞાનિઓને આવકાર્યા.

આચાર્ય, કૃષિ ઈજનેરી પોલીટેકનીક, આકૃયુ, મુવાલિયા ફાર્મ, દાહોદના ડો. એફ. જી. સૈયદ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોનું માર્ગદર્શન આપેલ. ડો. અનિલ રાવત, સહ પ્રાધ્યાપક, જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગ, બ. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા પ્રમાણિત બીજ ઉત્પાદન કરવા અંગેની વિસ્તૃત માહિતી આપેલ. ડો. કેતન પ્રજાપતિ, સહ સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર દ્વારા ઉપસ્થિત ખેડૂત મિત્રોને મકાઈ પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ તથા ગોધરા કેન્દ્ર ખાતે થી બહાર પાડવામાં આવેલ મકાઈની સુધારેલી તથા સંકર જાતોની લાક્ષણીકતાઓ વિષે વિસ્તૃત માહિતી આપેલ.

વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો. ગૌરાંગ ભાભોરએ વિસ્તરણની પ્રવૃતિયો વિષે માહિતગાર કરેલ. કેન્દ્રનાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, ડો મિહિર એમ. પંડ્યાએ કેન્દ્ર ખાતે કાર્યરત સંશોધન તથા ચણા, મકાઈ, ઘઉં પાકની સંશોધિત જાતોની લાક્ષણિકતાઓ તેમજ બીજ ઉત્પાદન વિશે વિગતવાર માહિતી આપેલ. એસ. બી. પારગી, ખેતી અધિકારી દ્વારા ખેડૂત મિત્રોને પ્રાકૃતીક ખેતીનું મહત્વ તથા દેશી જાતોનું બીજ ઉત્પાદન વિશે માહિતગાર કરેલ. ખેતી અધિકારી કે. એલ. પારગીએ ઉપસ્થિત ખેડૂત મિત્રોને રોજીંદા આહારમાં શાકભાજી પાકોનું મહત્વ તથા લસણ પાકની સુધારેલ જાતનું બીજ ઉત્પાદનની સંક્ષિપ્ત માહિતી આપેલ.

અત્રેના કેન્દ્રના સ્ટાફ દ્વારા ખેડૂતોને સંશોધન ફાર્મની મુલાકાત કરાવેલ તથા કેન્દ્ર ખાતે લેવામાં આવેલ મકાઈ, ચણા, લસણ અને ઘઉંનું બીજ ઉત્પાદન વિષે પ્રત્યક્ષ માહિતી આપેલ. કાર્યક્રમને અંતે, ઉપસ્થિત ખેડૂત મિત્રોને મહુનોભાવો દ્વારા બિયારણની કીટ તથા પ્રમાણપત્ર એનાયત કરેલ અને કે. એલ. પારગીએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો.