
ઝાલોદ તાલુકા પંચાયતની ચૂંટણી બાદ નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા બુધવારે માંડલેશ્ર્વર મંદિર ખાતે યોજાઈ હતી.

ઝાલોદ તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ખીમાભાઈ કટારાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આગામી દિવસોમાં તાલુકાના સર્વાગી વિકાસ અને વહીવટી કામગીરીને વધુ ગતિશીલ બનાવવા માટે મહત્વના નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકની કાર્યવાહીની શરૂઆત ગત ૨૫ મે ૨૦૨૬ના રોજ મળેલી પ્રથમ બેઠકના કામકાજ નું વાંચન કરી તેને બહાલી આપવાની પ્રક્રિયા સાથે કરવામાં આવી હતી. આ સભાનો મુખ્ય એજન્ડા તાલુકાના વહીવટી માળખાને મજબૂત કરવાનો હતો, જેના ભાગપે પંચાયતની મહત્વની ગણાતી કારોબારી સમિતિ અને સામાજીક ન્યાય સમિતિની વિધિવત રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સભામાં કુદરતી આપત્તિઓના મુદ્દાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. ઝાલોદ તાલુકાની ભૌગોલિક સ્થિતિ અને વારંવાર સર્જાતી કુદરતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં કોઈપણ આપત્તિ સમયે અસરગ્રસ્તોને તાત્કાલિક અને નિર્ધારિત સમય મર્યાદામાં રાહત તથા સહાય મળી રહે તે માટે અગાઉથી જ સુઆયોજીત આયોજન તૈયાર કરવા પર તમામ સદસ્યોએ એકમત થઈ ભાર મૂક્યો હતો. વહીવટી સરળતા લાવવાના ભાગપે, પંચાયતના રોજિંદા કામકાજને વેગ આપવા માટે ટેકનિકલ સ્ટાફની અછતને દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. સભામાં કોમ્પ્યુટર ઓપરેટર અને પ્યુન (સેવક) જેવા હોદ્દાઓ પર આઉટસોર્સિંગ મારફતે નિમણૂક કરવાનો અને તેમના પગાર ધોરણ નક્કી કરવાનો મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ પંચાયતના દૈનિક વહીવટી ખર્ચને પણ સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. બેઠકના અંતે પ્રમુખ સુરેશભાઈ કટારાએ ઉપસ્થિત તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તાલુકાના લોકહિતના કામોમાં કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર તમામ સદસ્યોનો સાથ અને સહકાર મળી રહેશે તેવી અપેક્ષા છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી સહિત પંચાયતના સચિવ અને વિવિધ વિભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.