મોટરસાયકલ બાબતની બોલાચાલી બાદ મારામારી, માથામાં ગંભીર ઇજા; બે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.
ઝાલોદ તાલુકાના કદવાળ ગામે આવેલી આશ્રમ શાળાના રસોઈયા પર મોટરસાયકલ બાબતે થયેલી બોલાચાલી બાદ લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં રસોઈયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ઝાલોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ કદવાળ મોટા ફળિયામાં રહેતા અને કદવાળ ગામની આશ્રમ શાળાના કુમાર છાત્રાલયમાં વર્ષ ૨૦૧૦થી રસોઈયા તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ સામાભાઈ કટારાએ પોલીસ સમક્ષ નોંધાવ્યું છે કે, ગત ૪ ઓગસ્ટના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાના સમયે તેઓ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ માટે ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન ગામના જીતેન્દ્રભાઈ કાંતિભાઈ ડામોર તથા નાનીભાઈ વિનેશભાઈ ડામોર મોટરસાયકલ લઈને આશ્રમ શાળાની બહાર આવ્યા હતા.
મુકેશભાઈએ પોતાની મોટરસાયકલ રિપેરિંગમાં હોવાથી તેનો ખર્ચ કેટલો થશે તે અંગે પૂછતાં તેમની મોટરસાયકલ પર હાથ મૂક્યો હતો. આ બાબતે બંને વ્યક્તિઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જાહેરમાં અપશબ્દો બોલી ઝઘડો શ કર્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, નાનીભાઈ વિનેશભાઈ ડામોરે હાથમાં રહેલી લોખંડની પાઇપ વડે મુકેશભાઈના માથાના ભાગે ફટકો માર્યો હતો. જેના કારણે તેઓ જમીન પર પડી ગયા હતા અને માથામાં ચામડી ફાટી લોહી નીકળ્યું હતું. ત્યારબાદ બંને આરોપીઓએ ગડદા-પાટુનો માર માર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
ઘટના બાદ બંને આરોપીઓએ ફરી સામે મળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ઇજાગ્રસ્ત મુકેશભાઈને ગામના સતિષભાઈ શાંતુભાઈ કામોળ તથા ઋતુભાઈ ભુરાભાઈ પલાસે ખાનગી દવાખાને પહોંચાડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ઝાલોદની ધુન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે જીતેન્દ્રભાઈ કાંતિભાઈ ડામોર અને નાનીભાઈ વિનેશભાઈ ડામોર સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.