શ્રાવણ માસ પહેલા ઝાલોદ પોલીસનો જુગારીઓ પર મેગા સપાટો

ખાંટવાડા અને ટીટોડી નદી કિનારે બે સ્થળે એકસાથે દરોડા; ૭ જુગારીઓ ઝડપાયા, એક ફરાર રૂ.૨૫,૬૨૦નો મુદ્દામાલ જપ્ત.

શ્રાવણ માસના આગમનને ધ્યાનમાં રાખીને ઝાલોદ પોલીસ દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે શહેરના ખાંટવાડા વિસ્તાર તેમજ ટીટોડી નદીના કિનારે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા ઈસમો સામે કડક કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા ચાર ઈસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડ રકમ, જુગારમાં ઉપયોગમાં લેવાતા ૫૨ પત્તા સહિત કુલ રૂ ૨,૯૭૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે બીજી બાતમીના આધારે ટીટોડી નદીના કિનારે દરોડો પાડ્યો હતો. પોલીસને જોતા કેટલાક જુગારીઓ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી ત્રણને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિ અંધારાનો અને ઝાડી-ઝાંખરાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. આ કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, બે મોબાઇલ ફોન અને જુગારમાં ઉપયોગમાં લેવાતા પત્તા મળી કુલ ‚.૨૨,૬૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

બંને દરોડામાં મળી કુલ સાત જુગારીઓની ધરપકડ, એક આરોપી ફરાર, તેમજ ‚.૨૫,૬૨૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ સામે ગુજરાત જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શ‚ કરી છે.

શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે અને શહેરમાં ગેરકાયદેસર જુગાર જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે ઝાલોદ પોલીસ દ્વારા આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે તેવી માહિતી પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી છે.