ઝાલોદના ફુલપુરા તળના 35 પરિવારોની અરજીની પૃચ્છા કરી આવાસ મંજુર કરાવવા કાર્યવાહી

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ફુલપુરા તળ ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બોર્ડર વિલેજ ટીએસપી યોજના હેઠળ આવાસ ફાળવવા માટે 35 જેટલા ગરીબ લાભાર્થીઓના ઓનલાઈન ફોર્મ સબમીટ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં સરકારી પોર્ટલમાં આ તમામ અરજીઓ “અરજી મંજુર” અને “આવાસ મંજુર” તરીકે દર્શાવવામાં આવતા ગરીબ પરિવારોમાં આશાની લાગણી હતી. જોકે એકાએક એક મહિના બાદ આ તમામ 35 લાભાર્થીઓના મોબાઈલમાં અરજી “નામંજુર” થયાના મેસેજ આવતા લાભાર્થીઓમાં અસંમજસની સ્થિતિ સર્જાઈ હતી.

કાચા ઝુંપડામાં રહેતા આ ગરીબ પરિવારો આવાસ વિના પરિવાર હાલાકીનો સામનો કરી રહ્યા હતા. આ અગાઉ બે વર્ષ પહેલા પણ આ ગ્રામ પંચાયતમાં આ યોજના હેઠળ નવ આવાસ મંજુર કરાયા હતા. આ 35 લાભાર્થીઓએ તાજેતરમાં 04/10/2025ના રોજ નિયામક આદિજાતી વિકાસ કચેરી, ગુજરાત સરકારને પણ આવાસ મેળવવા માટે અરજી કેલ હતી. ગરીબ પરિવારોની આ હાલાકી અને યોજનાનો લાભ ન મળવાની ગંભીર બાબતના અહેવાલો પ્રસિદ્ધ થતાં રાજયનુ આદિજાતી વિકાસ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યુ હતુ. આદિજાતી વિકાસ વિભાગ દ્વારા આ અહેવાલોની ગંભીર નોંધ લઈ તાત્કાલિક 35 પરિવારોને આવાસ ફાળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આદિજાતી વિકાસ અધિકારીએ આ અંગે જણાવ્યુ હતુ કે, લાભાર્થીઓની અરજીઓમાં જરૂરી પુરવણી કરીને તાત્કાલિક ધોરણે આવાસ મળે તે માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે.