અલીરાજપુરમાં એક વર્ષથી સીલ પાંચ કરોડના ખેરના લાકડા કબ્જે લઈ માંડવી લવાશે

ગુજરાતના સુરતની વનવિભાગની ટીમે અલીરાજપુરના માલવાઈ ગામે લાકડા ડેપો ઉપર જઈને ત્યાં એક વર્ષથી જપ્ત કરીને રાખી મુકેલા પાંચ કરોડ રૂપિયાના ખેરના લાકડા કબ્જે કરીને પોતાની સાથે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગત વર્ષે જુન માસમાં ગેરકાયદે ખેરની હેરાફેરી વેળાએ મળેલા આ લાકડા માલવાઈના ડેપોમાં સીલ કરીને રાખી મુક્યા હતા.

ગુજરાતના સુરત વનવિભાગની ટીમે માંડવી કોર્ટના આદેશથી લાકડા લઈ જવાની કાર્યવાહી કરી હતી. માલવઈમાં શાલીમાર એન્ટરપ્રાઈઝ નામક એક ડેપોમાં ગત વર્ષે છાપો મારી ખેરના લાકડા જપ્ત કર્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ લાકડા ગુજરાત, રાજસ્થાન અને મઘ્યપ્રદેશના જંગલોમાંથી ગેરકાયદેસર રીતે કાપીને માલવાઈ લઈ જવાતા હતા. ત્યાંથી નકલી ટ્રાંજિટ પાસ(ટીપી)દ્વારા તે દિલ્હી અને હરિયાણાની કાથા ફેકટરીઓમાં મોકલવામાં આવતા હતા. આ તપાસનો રેલો ગોધરા સુધી પહોંચ્યો છે. ગોધરાનો મુખ્ય આરોપી હાલ વિદેશ ફરાર થઈ ગયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ પ્રકરણમાં માલવઈના લાકડાના પીઠાની મેનેજરની ધરપકડ કરાઈ હતી પરંતુ જામીન મુકત છે.