ઝાલોદમાં વિશ્વકર્મા મંદિર પાછળથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર

પોલીસ અને નગરપાલિકા તાત્કાલિક સ્થળ પર પહોંચી; ઓળખ માટે સોશિયલ મીડિયા મારફતે પ્રયાસો શરૂ

ઝાલોદ નગરમાં વિશ્વકર્મા મંદિર પાછળથી બુધવારે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં ઝાલોદ પોલીસ તેમજ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

 મૃતકની ઓળખ થઈ શકે તે માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા તેમજ નગરના આગેવાનો મારફતે મૃતદેહના ફોટા પ્રસારિત કરી ઓળખ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે એકત્રિત થયા હતા.

જોકે, હાલ સુધી મૃતક વ્યક્તિની કોઈ ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસ દ્વારા મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે ઝાલોદ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ અંગે માહિતી ધરાવતા નાગરિકોને પોલીસનો સંપર્ક કરી જાણ કરવા અપીલ કરી છે. ઘટના અંગે ઝાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.