
એક વર્ષથી વધુ સમયથી અધૂરું કામ યથાવત્ : છેલ્લા 15 દિવસથી રજૂઆતો છતાં પાલિકાના ગોળ-ગોળ જવાબો
સામાજીક કાર્યકર્તા નીલમ વસૈયાએ ઠાલવ્યો રોષ, પ્રિન્સિપાલ વિશ્રામ સંગાડાએ બાળકોના હિતમાં સ્વખર્ચે કામગીરી કરાવી.
ઝાલોદ શહેરમાં આઈ.પી. મિશન સ્કૂલની બહાર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી બ્લોક પેવિંગની કામગીરી એક વર્ષથી વધુ સમયથી અધૂરી હાલતમાં પડી રહી છે. ચોમાસાની ઋતુમાં આ અધૂરી કામગીરીના કારણે શાળાએ આવતા-જતા બાળકો લપસી પડીને ઈજાગ્રસ્ત થવાની તેમજ હાઈવે માર્ગ પર સતત પસાર થતા વાહનોને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે.
આઈ.પી. મિશન સ્કૂલની બહાર નગરપાલિકા દ્વારા બ્લોક પેવિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી.
શાળા સંચાલન દ્વારા અધૂરી કામગીરી પૂર્ણ કરવા માટે છેલ્લા 15 દિવસથી નગરપાલિકામાં સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં કામગીરી પૂર્ણ કરવાના બદલે પાલિકા તંત્ર દ્વારા ગોળ-ગોળ જવાબો આપવામાં આવતા હોવાના આક્ષેપો વચ્ચે સમસ્યા યથાવત્ છે.
શાળાની બહાર હાઈવે માર્ગ આવેલો હોવાથી અહીં સતત વાહનોની અવરજવર રહે છે. બીજી તરફ શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવતા-જતા હોવાથી અધૂરી બ્લોક કામગીરી અને ચોમાસાના કાદવ-પાણીના કારણે બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રિન્સિપાલ વિશ્રામ સંગાડાએ બાળકોના હિતમાં સ્વખર્ચે કામગીરી કરાવી
બાળકોના હિત અને સુરક્ષાને ધ્યાને લઈ આઈ.પી. મિશન સ્કૂલના પ્રિન્સિપાલ વિશ્રામ સંગાડા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. આજરોજ શનિવારે શાળા છૂટ્યા બાદ, સ્કૂલ ટાઈમ પૂર્ણ થયા પછી, પ્રિન્સિપાલ દ્વારા પોતાના સ્વખર્ચે જરૂરી કામગીરી કરાવવામાં આવી હતી. શાળાના બાળકોને દરરોજ પડતી તકલીફ અને અકસ્માતના ભયને ધ્યાનમાં રાખીને શાળા સંચાલન દ્વારા પોતાની જવાબદારી સમજી કામગીરી કરાવવામાં આવી હોવાની માહિતી મળી છે.
સામાજિક કાર્યકર્તા નીલમ વસૈયાએ તંત્ર સામે રોષ ઠાલવ્યો
સામાજિક કાર્યકર્તા નીલમ વસૈયાએ બાળકોની સુરક્ષા સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “એક વર્ષથી વધુ સમયથી કામ અધૂરું પડ્યું છે. કામગીરી પૂર્ણ કરવા માટે શાળા દ્વારા છેલ્લા 15 દિવસથી રજૂઆતો કરવામાં આવી રહી છે, તેમ છતાં તંત્ર દ્વારા માત્ર ગોળ-ગોળ જવાબો આપવામાં આવે છે. શાળાની બહાર હાઈવે છે અને અહીંથી બાળકોની અવરજવર રહે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં નગરપાલિકા તાત્કાલિક કામગીરી પૂર્ણ કરે.”
છોડ માટે બનાવેલા બે મોટા કૂંડા પણ બન્યા નિરર્થક
આ પગદંડી પર છોડ વાવવા માટે બે મોટા કૂંડા બનાવવામાં આવ્યા છે, પરંતુ અધૂરી બ્લોક કામગીરી અને અવ્યવસ્થાને કારણે આ કૂંડાઓનો પણ યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી. એક તરફ શહેરને સુંદર બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ બાળકો માટે ઉપયોગી પગદંડીની કામગીરી એક વર્ષથી વધુ સમયથી અધૂરી રાખવામાં આવતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
કોન્ટ્રાક્ટરની બેદરકારી કે પાલિકાની નિષ્ક્રિયતા?
અધૂરી કામગીરી માટે કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પણ સવાલો ઊભા થયા છે. એક વર્ષથી વધુ સમય સુધી કામ અધૂરું રહેવા છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવી? શાળા દ્વારા 15 દિવસથી રજૂઆતો છતાં કામગીરી કેમ પૂર્ણ કરવામાં આવી નથી? અને જો તંત્રને આ સમસ્યાની જાણ છે તો હજુ સુધી કાયમી ઉકેલ કેમ લાવવામાં આવ્યો નથી? તેવા સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે.
બાળકોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આઈ.પી. મિશન સ્કૂલ બહારની અધૂરી બ્લોક કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી પગદંડીને સુવ્યવસ્થિત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. અકસ્મતની રાહ જોવાને બદલે તંત્ર સમયસર જાગે તેવી લોકમાંગ ઉઠી છે.