ઝાલોદમાં ચેક બાઉન્સ કેસમાં કોર્ટનો કડક ચુકાદો:આરોપીને ૨ વર્ષની જેલ,₹૬ લાખ વળતર

ઝાલોદમાં ચેક બાઉન્સ કેસમાં કોર્ટનો કડક ચુકાદો: આરોપીને 2 વર્ષની જેલ, ₹6 લાખ વળતરનો આદેશ..

ચેકના 3 લાખની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેતા કોર્ટની કાર્યવાહી; ચુકાદા સમયે આરોપી ગેરહાજર રહેતાં બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી

દાહોદ જિલ્લાના ઝાલોદમાં ચેક બાઉન્સના કેસમાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપી સબુરભાઈ કટારાને બે વર્ષની જેલની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને ચેકની રકમના બમણા એટલે કે કુલ ₹6 લાખ વળતર પેટે 30 દિવસની અંદર ચૂકવવાનો આદેશ કર્યો છે. ચુકાદા સમયે આરોપી કોર્ટમાં હાજર ન રહેતાં તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કરી તેમને પકડી લાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો छे..

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી સબુરભાઈ કટારાએ ફરિયાદી સમીરભાઈ પટેલ પાસેથી અંગત જરૂરિયાત માટે ₹3 લાખની રકમ ઉછીની લીધી હતી. આ રકમ પરત ચૂકવવા માટે આરોપીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઝાલોદ શાખાનો ₹3 લાખનો ચેક આપ્યો હતો. જોકે, ફરિયાદી દ્વારા ચેક બેંકમાં જમા કરાવવામાં આવતાં ખાતામાં પૂરતી રકમ ન હોવાના કારણે ચેક પરત ફર્યો હતો..

ત્યાર બાદ ફરિયાદી દ્વારા વકીલ મારફતે કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં આરોપી દ્વારા બાકી રકમ ચૂકવવામાં ન આવતાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈને અદાલતે આરોપીને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી. ઉપરાંત, ફરિયાદીને ₹6 લાખ વળતર પેટે 30 દિવસમાં ચૂકવવાનો હુકમ કર્યો હતો. જો આરોપી નિર્ધારિત સમય મર્યાદામાં વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેને વધુ છ માસની જેલ ભોગવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

ચુકાદા સમયે આરોપી અદાલતમાં હાજર ન હોવાથી કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું છે અને તેમને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે…

ચેક બાઉન્સના કેસમાં અદાલતના આ ચુકાદાથી નાણાકીય વ્યવહારોમાં જવાબદારી અને કાયદાકીય પ્રક્રિયાના પાલનનું મહત્વ ફરી એકવાર સામે આવ્યું છે.