વેલપુરાથી ઝાલોદ સુધી ૧૦થી ૧૫ કિમીની ભવ્ય પદયાત્રામાં ઉંટ પર સવાર માતાજીના સ્વરૂપે જમાવ્યું આકર્ષણ

ઝાલોદ તાલુકામાં પવિત્ર માં દશામાના વ્રતની બુધવારથી શ્રદ્ધાભેર શરૂઆત થતાં જ સમગ્ર પંથકમાં ભક્તિભાવના પૂર ઉમટયા છે. આસ્થા અને પરંપરાના અદ્ભુત સમન્વય સમાન એક દ્રશ્ય ઝાલોદ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યું હતું, જયાં ગ્રામજનો દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં દશામાનું વાહન ઉંટ માનવામાં આવે છે, ત્યારે આ જ પરંપરાને સાર્થક કરતા ગ્રામજનોએ શોભાયાત્રામાં ગામની એક યુવતીને માં દશામાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરાવીને ખાસ ઉંટ ઉપર બિરાજમાન કરી હતી. ઉંટ પર સવાર માતાજીના આ સ્વ‚પના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રા માત્ર કોઈ એક ગામ પૂરતી સીમિત ન રહેતા, શ્રદ્ધા અને ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરૂ પાડતી વેલપુરા સહિતના ગામડાંઓથી શરૂ થઈને ઝાલોદ નગર સુધી પહોંચી હતી. ભક્તોએ ઉત્સાહપૂર્વક ૧૦ થી ૧૫ કિલોમીટર જેટલું લાંબું અંતર ચાલીને ભક્તિ યાત્રાનું પ્રદર્શન કર્યું હતું અને આ લાંબી પદયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓનો ઉત્સાહ શોભાયાત્રા અને ઉમંગ જોવા લાયક હતાં. દરમિયાન વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું, જેમાં બે મોટા ડીજે ઉપર માં દશામાના લોકપ્રિય ભજનો અને સ્તુતિઓ વગાડવામાં આવી રહી હતી. ડીજેના ધૂમ મચાવતા નાદ સાથે યુવાનો, મહિલાઓ અને વડીલો ભક્તિભાવપૂર્વક નાચીને માતાજીની આરાધના કરતા આગળ વધી રહ્યા હતા. આખો દિવસ વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રાએ સમગ્ર માર્ગને પવિત્ર બનાવી દીધો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઈને શ્રદ્ધા અને ઉત્સાહ સાથેની આ વિશાળ પદયાત્રાનું ઝાલોદ નગરમાં ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ આખા આયોજન દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ, પુરૂષો અને બાળકોએ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી, જેનાથી ઝાલોદ પંથકમાં નીકળેલી આ

અનન્ય શોભાયાત્રા હાલ નગરમાં ચર્ચાનો અને આસ્થાનો મુખ્ય વિષય બની છે.