લીમખેડા તાલુકાના નાના માળ ગામના રહેવાસી પંકજભાઈ હરજીભાઈ તા. ૨ માર્ચ ૨૦૨૫ના રોજ પોતાની પલ્સર બજાજ મોટરસાયકલ નંબર GJ-20-AS-0754 ઉપર ઓરિજીનલ સુપર સ્ટ્રોંગ બિયરની બોટલ નંગ-૩૬, જેની કિંમત રૂ.૪,૬૮૦ હતી, સાથે ઝડપાઈ ગયા હતા.
આ બનાવને પગલે પંકજભાઈ હરજીભાઈ વિરૂદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર ૨૭૭/૨૦૨૫ હેઠળ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) અને ૯૮(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી અને કેસ લીમખેડાની અદાલતમાં ફોજદારી કેસ નંબર ૨૨૬૩/૨૦૨૫ તરીકે ચાલી રહ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે લીમખેડાના સરકારી વકીલ કે.બી. ગોસાઈ દ્વારા અસરકારક દલીલો રજૂ કરવામાં આવી હતી. સરકાર પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપી પંકજભાઈ હરજીભાઈને પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) હેઠળ તકસીરવાન ઠેરવ્યો હતો.
અદાલતે આરોપીને ૨ વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ નહીં ભરે તો વધુ ૩ માસની સાદી કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દારૂ ની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી પલ્સર મોટરસાયકલને સરકાર ખાલસા કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
આ રીતે (મહેમુદ ઉસ્માન ફુરમાની) એડી. ચીફ. જયુડીશીયલ મેજીસ્ટ્રેટ લીમખેડા કોર્ટના ચુકાદાથી દારૂ ની ગેરકાયદેસર હેરાફેરી સામે કડક સંદેશો પહોંચ્યો છે.