
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ટીમે ડ્રગના જથ્થા સાથે ફરી મધ્ય પ્રદેશના પેડલરને ઝડપી લીધો છે. એસઓજીની ટીમે ડ્રગની ડિલિવરી કરવા આવેલા પેડલરને ૧૯૯.૪૫ ગ્રામ ડ્રગ સાથે ઝડપી લીધો હતો. પેડલરને એક વખત અમદાવાદ આવીને ડ્રગની ડિલિવરી આપવાના ૫ હજાર કમિશન મળતું હતું.
જાકે આ પેડલર કોને ડ્રગ આપવા માટે આવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે.પૂર્વ અમદાવાદમાં ડ્રગસની સતત વધતી હેરાફેરીને ડામવા ક્રાઇમ બ્રાંચની ટીમે સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે ત્યારે જ શહેર એસઓજીના રાહુલ ત્રિપાઠીની ટીમને બાતમી મળી હતી કે મધ્ય પ્રદેશનો એક શખ્સ વટવાના ગેબનશાપીર દરગાહ નજીક એમડી ડ્રગના જથ્થા સાથે ઊભો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ શખ્સને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ૧૯૯.૪૫ ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું હતું.
પોલીસે ડ્રગ સહિત કુલ ૬.૦૮ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા પેડલરની પૂછપરછ કરતાં તેનું નામ શકીલખાન પઠાણ (રહે. મધ્ય પ્રદેશના રતલામ) હોવાનું જણાયું હતું. પૂછપરછ દરમિયાન શકીલખાને પોલીસને જણાવ્યું હતું કે,એમડી ડ્રગનો આ જથ્થો મધ્ય પ્રદેશના મંદસૌરના રહેવાસી ઇમરાન અફઝલખાન પઠાણે તેને આપ્યો હતો. ઇમરાને શકીલને આ ડ્રગનો જથ્થો અમદાવાદમાં કોઈ વ્યક્તિને સોંપવા માટે મોકલ્યો હતો અને તેના બદલામાં રૂ.૫ હજાર કમિશન આપવાનું નક્કી કર્યું હતું.
આ ખુલાસા બાદ પોલીસે ફરાર ઇમરાન પઠાણની શોધખોળ શરૂ કરી છે.પોલીસે આરોપી શકીલખાનનો મોબાઈલ પણ કબજે કર્યો છે. મોબાઈલની તપાસમાં ઇમરાન અફઝલખાન પઠાણ સાથે થયેલી વોટ્સએપ ચેટ અને કોલ ડિટેલ્સ મળી આવી છે. પોલીસ તપાસમાં ૧૮ જુલાઈ ૨૦૨૬થી દરોડાના દિવસ સુધી બંને વચ્ચે સતત વાતચીત થઈ હોવાનું જણાયું છે. આ મામલે એસઓજી પોલીસે શકીલખાન પઠાણ અને ડ્રગનો જથ્થો મોકલનાર ફરાર આરોપી ઇમરાન અફઝલખાન પઠાણ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ડ્રગનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ કરી રહી છે.