
અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ અને કસ્ટમ્સ વિભાગે સુઆયોજિત સોનાની દાણચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી અબુધાબીથી આવેલા આઠ મુસાફરો પાસેથી ૧.૧૪ કરોડના ૭૭૦.૩૩ ગ્રામ ૨૪ કેરેટના સોનાના દાગીના જપ્ત કર્યા હતા. આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ તરીકે મહેસાણા જિલ્લાના લીંચ ગામના ટ્રાવેલ એજન્ટ પંકજ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હવે તપાસનો વ્યાપ માત્ર પંકજ પટેલ સુધી સીમિત ન રહી અમદાવાદના ટ્રાવેલ એજન્ટો અને ટૂર ઓપરેટરો સુધી પહોંચ્યો છે.
કસ્ટમ્સની ટીમ દ્વારા અઠવાડીયા સુધી કરાયેલી તપાસમાં અમદાવાદ ઉપરાંત રાજ્યના ઘણા એજન્ટો મુસાફરને વિદેશ મોકલી તેમની પાસેતી સોનાની દાણચોરી કરાવતા હોવાનું ખૂલ્યુ છે.ગત અઠવાડિયે એરપોર્ટ પર દાણચોરીના સોના સાથે ઝડપાયેલા ૮ મુસાફરોની પૂછપરછમાં તેમણે એવી કબૂલાત કરી હતી કે પંકજ પટેલે તેમની અબુધાબીની ટિકિટોની વ્યવસ્થા કરી હતી અને પરત ફરતી વખતે ૨૪ કેરેટના સોનાના દાગીના ભારતમાં લાવવા બદલ દરેક મુસાફરને ૭થી ૧૦ હજારનું કમિશન આપવાનું નક્કી કરાયું હતું. મુસાફરોના ખિસ્સામાં પ્લાÂસ્ટકમાં છુપાવી રાખેલા ગોલ્ડ ચેઇન, પેન્ડન્ટ, મંગળસૂત્ર, બુટ્ટી અને અન્ય દાગીના મળી મુકાવી દેવામાં આવ્યા હતા જે પકડાઇ ગયા હતા.
કસ્ટમ્સની તપાસમાં ખૂલ્યુ છે કે પંકજ પટેલ અગાઉ ઝડપાયેલા મહેસાણાના કુખ્યાત ટ્રાવેલ ઓપરેટર કિરીટ પટેલ સાથે પણ સીધો સંકળાયેલો હતો. કિરીટ પટેલ માટે મુસાફરો તૈયાર કરવા અને ટિકિટ બુકિંગ કરાવવા બદલ તે પ્રતિ મુસાફર ૩ હજાર કમિશન મેળવતો હતો. ગત વર્ષે કિરીટ પટેલની ધરપકડ થઇ ત્યારે ૩.૫૦ કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
અધિકારીઓ હવે કિરીટ પટેલની ધરપકડ પછી પણ પંકજ પટેલે દાણચોરીનું નેટવર્ક કેવી રીતે ચાલુ રાખ્યું અને બંનેએ મળીને છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલા મુસાફરોને અબુધાબી, દુબઈ સહિતના અખાતી દેશોમાં મોકલ્યા તેની વિગતવાર તપાસ કરી રહ્યા છે.કસ્ટમ્સે પંકજ પટેલ તેમજ રાજ ટ્રાવેલ્સ મારફતે બુકિંગ કરાવી અખાતી દેશોમાં ગયેલા મુસાફરોની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. આ તમામ મુસાફરોની પૂછપરછ કરીને અગાઉ કેટલી વખત સોનાની દાણચોરી કરી હતી તેની કડીઓ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તપાસ દરમિયાન અમદાવાદના કેટલાક ટ્રાવેલ એજન્ટો અને ટૂર ઓપરેટરોની સંડોવણી પણ સામે આવ્યાનું અધિકારીઓએ જણાવ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ અમદાવાદના એજન્ટો મુસાફરોને અખાતી દેશોમાં મોકલી પરત ફરતી વખતે ૧૦૦ ગ્રામથી ઓછા વજનના સોનાના દાગીના પહેરાવી અથવા સામાનમાં રાખીને લાવવાની વ્યવસ્થા કરતા હતા. એક ટ્રિપ બદલ રૂ. ૮ હજારથી ૧૦ હજાર સુધીનું કમિશન ચૂકવાતું હોવાનું પણ ખૂલ્યુ છે. કસ્ટમ્સે રાજ્યભરના અનેક એજન્ટોની વિગતો એકત્રિત કરી છે અને હવે સમગ્ર દાણચોરીના નેટવર્કમાં સંકળાયેલા તમામ એજન્ટો, ફાઇનાન્સરો અને વિદેશમાં બેઠેલા સપ્લાયરો સુધી પહોંચવા માટે તપાસ ચાલી રહી છે. ગુજરાતના અન્ય એજન્ટોની વિગતો પણ મળી છે.